જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ચકચાર મચાવનાર નિવૃત્ત વૃદ્ધ મનસુખભાઈ વાછાણીની નિર્મમ હત્યા અને મસમોટી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગંભીર ગુનામાં ઘરમાં જ કામ કરતી ૧૬ વર્ષની સગીરાએ પોતાના સાથીદાર સાથે મળીને સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે રૂ. ૧૧.૪૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લાલપુર ટાઉન વિસ્તારમાં એકલા રહેતા નિવૃત્ત પીજીવીએલ કર્મચારી અને ભાજપના અગ્રણી મનસુખભાઈ વાછાણી (ઉં.વ. ૬૬)ની તેમના જ ઘરમાં માથાના ભાગે જીવલેણ ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ઘરમાંથી મોટી રકમની રોકડ અને ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર લાલપુર પંથકમાં ભારે અરેરાટી અને ચકચાર વ્યાપી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ તપાસ ટીમોની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને સૌથી ચોંકાવનારો વળાંક મળ્યો, જેમાં મરણ જનાર મનસુખભાઈના ઘરમાં જ કામ કરતી ૧૬ વર્ષ અને ૯ માસની સગીરા આ સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર નીકળી હતી. આ સગીરાએ પોતાના સાથીદાર અક્ષય અરવિંદભાઈ મહીડા (મોયડા) સાથે મળીને લૂંટ અને હત્યાનું ખતરનાક ષડયંત્ર ઘડી કાઢ્યું હતું.પોલીસ તપાસ અનુસાર, ગત ૧૦ ઓક્ટોબરે જામનગર ખાતે બંને આરોપીઓએ ભેગા મળીને લૂંટનો આખો પ્લાન તૈયાર કર્યો હતો. ત્યારબાદ ૧૧ ઓક્ટોબરે પૂર્વ આયોજિત પ્લાન મુજબ, સગીરા જ્યારે ઘરે કામ કરવા ગઈ ત્યારે તેણે અક્ષયને પણ ત્યાં બોલાવી લીધો હતો. બંનેએ ઘરમાં પ્રવેશ કરી મનસુખભાઈના માથામાં ઘા મારી હત્યા કરી નાખી હતી અને પકડાઈ જવાના ડરે ઘરમાંથી રોકડ તેમજ ચાંદીના દાગીનાની મસમોટી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. લાલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બૈડીયાવદરા અને દિવ્યેશભાઈ ભીંભાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પુણે રેલવે પોલીસની મદદથી મુખ્ય આરોપી અક્ષય મોયડાને પુણેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. ૯૮,૬૮૩ રોકડા અને રૂ. ૧૦,૪૮,૩૨૦ની કિંમતના ૪,૯૯૯ ગ્રામ ચાંદીના ૯ ચોસા મળીને એકંદર રૂ. ૧૧,૪૯,૫૦૩નો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.







































