‘મેરે બિઝનેસ મેં તેરા હાથ મેરા તો કુછ ભી નહીં…’ દર વખતની જેમ આ વખતે પણ રાજસ્થાનના ચિતૌડગઢ ખાતે આવેલા શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું છે. મંદિરમાં આવેલા દાનની પાંચ તબક્કામાં ગણતરી થઈ ચૂકી છે. જેમાં રોકડ, મની ઓર્ડર અને ઓનલાઈન દાન મળીને કુલ ૩૧ કરોડ ૧૭ લાખ ૯૨ હજાર ૧૨૯ રૂપિયાનું દાન આવ્યું છે. આમાં રોકડની સાથે-સાથે સોનું-ચાંદી અને ૧૯ દેશોની વિદેશી કરન્સી પણ સામેલ છે.
ચિતૌડગઢ ખાતે આવેલા સાંવલિયા શેઠ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂરી થતાં ભગવાનને ભેટ અર્પણ કરે છે. તેથી દર મહિને આ મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવે છે. આ વખતે સાંવલિયા શેઠને જબરદસ્ત દાન આપ્યું છે. મંદિર મંડળે દાનની ગણતરી પૂરી થયા પછી દાનના અંતિમ આંકડા જાહેર કર્યા છે. મંદિરમાં આવેલા દાનની ગણતરી પાંચ તબક્કામાં કરવામાં આવી હતી.
પહેલા તબક્કામાં ૯ કરોડ ૩૫ લાખ ૬૫ હજાર ૧૦૦ રૂપિયાની ગણતરી થઈ. બીજા તબક્કામાં ૫ કરોડ ૯૪ લાખ ૩૫ હજાર રૂપિયાની ગઈતરી થઈ. તો ત્રીજા તબક્કામાં ૬ કરોડ ૧૦ લાખ ૧૨ હજાર રૂપિયા, ચોથા તબક્કામાં ૧ કરોડ ૭૪ લાખ ૧૦ હજાર રૂપિયા ગણાયા અને પાંચમા અને અંતિમ તબક્કામાં ૪૪ લાખ ૨૨ હજાર ૭૧૮ રૂપિયાની ગણતરી થઈ હતી.
આ રીતે દાનપેટીમાં રોકડ રકમ ૨૩ કરોડ ૫૮ લાખ રૂપિયાથી વધુ રહી. મનીઓર્ડર અને ઓનલાઈન દાન ઉમેર્યા પછી કુલ આંકડો ૩૧.૧૭ કરોડને પાર કરી ગયો. ભક્તોએ રોકડ ઉપરાંત સોનું અને ચાંદી પણ ઉદારતાથી ચઢાવ્યાં છે. ભંડારમાંથી કુલ ૯૩૦ ગ્રામ ૧૦૦ મિલિગ્રામ સોનું મળ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ ૧ કરોડ ૪૦ લાખ રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો ૯૨ કિલો ૨૪૨ ગ્રામ ૩૨૦ મિલિગ્રામ ચાંદી નીકળી છે અને તેની અંદાજિત કિંમત આશરે ૨ કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. આ સોનું-ચાંદી શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતાં ચઢાવેલી ભેંટ છે.
આ વખતે ખાસ વાત એ પણ છે કે ૧૯ દેશોની વિદેશી કરન્સી પણ ચઢાવામાં મળી છે. કુવૈત, કતાર, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, ભૂતાન, કેનેડા, થાઈલેન્ડ, નેપાળ, જાર્ડન, રવાન્ડા, કોરિયા, જાર્જિયા, ઘાના, ઇંગ્લેન્ડ, ઓમાન, આૅસ્ટ્રેલિયા, સિંગાપુર અને ચીન સહિત અન્ય દેશોની કરન્સી સામેલ છે. આ વિદેશી કરન્સીની ભારતીય રૂપિયામાં અંદાજિત કિંમત લગભગ ૨ લાખ ૧૫ હજાર ૭૦૦ રૂપિયા છે.
સાંવલિયા શેઠના દરબારમાં દર મહિને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને મનોકામના પૂરી થતાં ભેંટ અર્પણ કરે છે. મંદિર પ્રબંધે કેશ ભંડારની ગણતરી પૂરી થયા બાદ આ આંકડા સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ દાન ભક્તોની અખંડ શ્રદ્ધા અને સાંવલિયા શેઠ પ્રત્યેની ભક્તિનું જીવંત પ્રમાણ છે.











































