અમદાવાદમાં રાજકીય પક્ષના નામે કથિત બોગસ ડોનેશન દર્શાવી કરદાતાઓને ટેક્સમાં લાભ અપાવવાના મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગે સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ના નામે અંદાજે ૨૦૬ કરોડના બોગસ ડોનેશન અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.આ કેસમાં ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત કુલ નવ લોકો સામે ગુનો નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે સીઆઇડી ક્રાઈમ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહાર, ડોનેશનની એન્ટ્રીઓ અને સંભવિત રીતે સંકળાયેલા અન્ય લોકો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.ફરિયાદ મુજબ, કરદાતાઓ દ્વારા રાજકીય પક્ષને ડોનેશન આપવામાં આવ્યું હોવાનું દર્શાવવા માટે કથિત રીતે રસીદો તૈયાર કરવામાં આવતી હતી. આ રસીદોના આધારે સંબંધિત કરદાતાઓને આવકવેરામાં રાહત મેળવવામાં મદદ કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ વ્યવસ્થામાં વાસ્તવિક ડોનેશનના બદલે કાગળ પરની એન્ટ્રીઓ ઊભી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં નાણાંના વ્યવહાર અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ડોનેશન તરીકે દર્શાવવામાં આવેલી રકમ ચેક અથવા આરટીજીએસ મારફતે મેળવવામાં આવતી હતી. ત્યારબાદ આ રકમ કથિત રીતે વિવિધ શેલ કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી અને ત્યાંથી રોકડ ઉપાડવામાં આવતી હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રોકડમાંથી ૫થી ૭ ટકા જેટલું કમિશન કાપ્યા બાદ બાકીની રકમ સંબંધિત વ્યÂક્તને પરત આપવામાં આવતી હતી.તપાસ દરમિયાન આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો છે કે ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ નો ઉપયોગ વાસ્તવિક ચૂંટણી પ્રવૃત્તિ કરતાં બોગસ નાણાકીય એન્ટ્રીઓ માટે કરવામાં આવતો હતો. ફરિયાદમાં પાર્ટીના નામે દર્શાવવામાં આવતા વ્યવહારોનો હેતુ કથિત રીતે ડોનેશનના માધ્યમથી ટેક્સ લાભ અપાવવાનો અને તેના બદલામાં કમિશન મેળવવાનો હોવાનું જણાવાયું છે. જાકે, આ તમામ બાબતો હાલ ફરિયાદ અને તપાસમાં કરવામાં આવેલા આક્ષેપોનો ભાગ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર નાણાકીય વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.
આ કેસમાં ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં સીએ કુલદીપદાન ટાપરિયા અને ઝ્રછ અશોક કુમાર શાહના નામ પણ સામે આવ્યા છે. સીઆઇડી ક્રાઈમ દ્વારા હવે આરોપીઓની ભૂમિકા, બેંક ખાતાઓમાં થયેલા વ્યવહારો, ડોનેશનની રસીદો અને શેલ કંપનીઓ સાથેના નાણાકીય જાડાણની તપાસ કરવામાં આવી રહી છે.ઇન્કમટેક્સ વિભાગની ફરિયાદ બાદ હવે સીઆઇડી ક્રાઈમ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં ૨૦૬ કરોડની કથિત ગેરરીતિમાં કયા લોકોની ભૂમિકા હતી, કઈ કંપનીઓના ખાતાઓનો ઉપયોગ થયો અને ડોનેશનના નામે કેટલા કરદાતાઓને ટેક્સ લાભ અપાવાયો તે સહિતના મુદ્દાઓ તપાસ હેઠળ છે. ગુજરાતમાં કેટલીક નોંધાયેલી પરંતુ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં દાન મળવાના મુદ્દે તાજેતરમાં જાહેર ચર્ચા પણ થઈ છે.અહેવાલમાં ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ ને પણ કરોડો રૂપિયાનું દાન મળ્યાનો ઉલ્લેખ છે.








































