શનિવારે સવારે મુંબઈના ગિરગાંવ ચોપાટી ખાતે મોટી ભીડ એકઠી થઈ હતી. લાલબાગચા રાજા અને ચિંચપોકલીચા ચિંતામણિ જેવી પ્રખ્યાત મૂર્તિઓનું ભાવનાત્મક વિદાય સાથે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિઓનું વિસર્જન શોભાયાત્રા ૨૧ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. શુક્રવાર સવારે અનંત ચતુર્દશી (૧૨ દિવસના ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે) ના રોજ શહેરભરમાં વિસર્જન શોભાયાત્રા શરૂ થઈ હતી અને આખી રાત ચાલુ રહી હતી. હજારો ભક્તો તેમની મૂર્તિઓ સાથે શોભાયાત્રામાં જાડાયા હતા.
પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિનું અરબી સમુદ્રમાં સવારે ૧૦ઃ૫૦ વાગ્યે મોટી ભીડ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંપરાગત પૂજા અને આરતી પછી, મૂર્તિને એક મોટા નાવ પર મૂકવામાં આવી હતી અને સ્થાનિક માછીમારો અને ભક્તોની મદદથી, વિસર્જન માટે ઊંડા પાણીમાં લઈ જવામાં આવી હતી.
નોંધનીય છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી, જેમણે ઉત્સવ દરમિયાન ઘણી વખત લાલબાગચા રાજા પંડાલની મુલાકાત લીધી હતી અને વિસર્જન શોભાયાત્રામાં પણ ભાગ લીધો હતો, તેઓ વિસર્જન દરમિયાન હોડી પર હાજર હતા. અન્ય મુખ્ય મૂર્તિઓમાં, ચિંચપોકલીચા ચિંતામણિનું વિસર્જન સવારે ૧૦ વાગ્યાની આસપાસ થયું હતું. ત્યારબાદ લાલબાગ બાલ ગણેશ મંડળની બલ્લાલેશ્વર મૂર્તિનું વિસર્જન સવારે ૧૧ વાગ્યે થયું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈમાં મોટાભાગની વિસર્જન શોભાયાત્રા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ શનિવારે બપોર સુધીમાં, શહેરના વિવિધ દરિયાકિનારા પર કેટલીક મોટી મૂર્તિઓનું વિસર્જન બાકી હતું.મુંબઈ પોલીસે ૬૭ કુદરતી સ્થળો અને ૩૮૩ કૃત્રિમ તળાવોમાં સુરક્ષિત વિસર્જન સુનિશ્ચિત કરવા માટે ૨૪,૦૦૦ થી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા હતા.બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ લાઇફગાર્ડ્‌સ, મેડિકલ ટીમો અને ભારે ક્રેન્સ સહિત ૨૫,૦૦૦ કર્મચારીઓને તૈનાત કર્યા હતા. ૧૨ દિવસનો ઉત્સવ પૂર્ણ થવા સાથે, મ્યુનિસિપલ સફાઈ કર્મચારીઓએ વિસર્જન સ્થળો અને મુખ્ય વિસર્જન માર્ગોની સફાઈ શરૂ કરી દીધી છે.