ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી આંતરરાજ્ય ગેંગ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે બુધવારે મોડી રાત્રે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ટીમે વેજલપુર વિસ્તારમાંથી ગોલ્ડી બ્રાર ગેંગ સાથે સંકળાયેલા કુખ્યાત આરોપી આરિફ ઉર્ફે ‘પિસ્તોલ’ની ધરપકડ કરી છે. પોલીસ તરફથી મળતી સત્તાવાર માહિતી મુજબ, પકડાયેલો આરોપી હત્યાનો પ્રયાસ, ફાયરિંગ અને ખંડણી સહિતના ૧૧થી વધુ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.પોલીસના જણાવ્યા અનુસાર, આરિફ ઉર્ફે પિસ્તોલ ગોલ્ડી બ્રાર ગેંગ માટે એક અત્યંત મહત્વની ઓપરેશનલ કડી તરીકે કામ કરતો હતો. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશન બાદ પોલીસને આશંકા છે કે આરોપી ગોલ્ડી બ્રાર વતી દુબઈ મારફતે ધમકીભર્યા કોલ્સ કરાવવા અને મોટા પાયે ખંડણીનું રેકેટ ચલાવવામાં સક્રિયપણે મદદ કરતો હતો.
પોલીસ અને કાયદાકીય કારવાઈથી બચવા માટે આરોપી અત્યંત ચાલાકીપૂર્વક પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. તે વિવિધ રાજ્યોની પોલીસને ચકમો આપવા માટે સતત પોતાના રહેઠાણનું સ્થળ બદલતો રહેતો હતો. આખરે દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત નેટવર્ક અને ચોક્કસ બાતમીના આધારે તેને વેજલપુરના તેના ગુપ્ત અડ્ડા પરથી ઝડપી લેવામાં સફળતા મળી છે.આરિફની ધાકડ ધરપકડ બાદ હવે સંયુક્ત ટીમ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ ખાસ કરીને તેની સાથે સંકળાયેલા સ્થાનિક સાગરીતો, ખંડણી દ્વારા એકત્ર કરાયેલા નાણાકીય વ્યવહારો અને સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત તેના સંપર્કમાં રહેલા અન્ય શખ્સોની ભૂમિકા અંગે પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે.
પોલીસ અધિકારીઓ આ કાર્યવાહીને ગોલ્ડી બ્રાર ગેંગના આંતરરાજ્ય ખંડણીના નેટવર્કને તોડી પાડવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક પગલું માની રહ્યા છે. આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી ગેંગના અન્ય સક્રિય સભ્યો, સંભવીત ટાર્ગેટ અને ભૂતકાળમાં આચરેલા વધુ ગુનાઓ અંગેના મોટા ખુલાસા બહાર આવે તેવી પૂરતી શક્યતા છે.