સોમવારે સવારે લખીમપુર ખેરીના સદર કોતવાલી વિસ્તારમાં ચિલ્ડ્રન્સ એકેડેમી સ્કૂલમાં એક મોટી ઘટના બની, જેના કારણે શહેરમાં સનસનાટી મચી ગઈ. સવારે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ શાળામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા શિક્ષિકા અને એક યુવાનનું મોત નીપજ્યું હતું. ગોળીબારથી શાળામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેમાં નિર્દોષ બાળકો ભયભીત થઈ ગયા હતા.માહિતી મળતાં જ અધિકારીઓ પોલીસ દળો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શાળાની બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જેમાં વાલીઓ પણ સામેલ હતા. શહેર પોલીસ નિરીક્ષક રાજેશ સિંહે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષક ડા. ખ્યાતિ ગર્ગ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે.આ ઘટના શાળાના પહેલા માળે બની હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શહેર પોલીસ સ્ટેશનના નૌરંગાબાદના રહેવાસી સઈદ અંસારી શાળામાં ઘુસી ગયો હતો. તેણે પહેલા માળે જઈને શિક્ષિકા નિશાત ફાતિમાને પિસ્તોલથી ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.નિશાત ફાતિમા હિદાયત નગરની રહેવાસી હતી. આ મામલો પ્રેમ સંબંધ સાથે જાડાયેલો હોવાનું માનવામાં આવે છે. બંને નજીકના પડોશમાં રહે છે. પોલીસ અધિકારીઓ હાલમાં શાળાના સ્ટાફની પૂછપરછ કરી રહ્યા છે. ઘટના બાદ તમામ બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.