ફિલ્મ નિર્માતાઓ અનુભવ સિંહા અને સુધીર મિશ્રા હાલમાં મહાત્મા ગાંધી પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યા છે. હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. પીઢ અભિનેત્રી વહીદા રહેમાન આ પ્રોજેક્ટમાં જાડાયા હોવાના અહેવાલ છે. ૮૮ વર્ષીય વહીદા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.આ ફિલ્મમાં ગાંધીજીના જીવનના ૨૧ મહત્વપૂર્ણ દિવસો દર્શાવવામાં આવશે. મનોજ બાજપેયી મહાત્મા ગાંધીનું પાત્ર ભજવશે, ત્યારે વહીદા રહેમાન ગાંધીની માતા પુતળીબાઈનું પાત્ર ભજવશે. સૌરભ શુક્લા પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
વેરાયટી સાથેની એક મુલાકાતમાં, ફિલ્મના દિગ્દર્શક સુધીર મિશ્રાએ વહીદા રહેમાનને કાસ્ટ કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે વહીદા જી આ પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યા છે! ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘ગાઇડ’ જેવી ફિલ્મો સાથે મારો ખૂબ જ ઊંડો અને અંગત સંબંધ છે. હું આ ફિલ્મો જાઈને મોટો થયો છું, મોટાભાગે મોટા પડદા પર, અને આ ફિલ્મોએ મારા હૃદય અને મનમાં એક એવી જગ્યા બનાવી છે જેને હું શબ્દોમાં સંપૂર્ણપણે વર્ણવી શકતો નથી. મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે વહીદા જી, જે આ ઐતિહાસિક ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે, હવે હું જે પ્રોજેક્ટનું દિગ્દર્શન કરી રહ્યો છું તેનો ભાગ બનવા જઈ રહી છે. આ ખૂબ જ ખાસ લાગે છે અને મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે.” આ ફિલ્મમાં તેમનું હોવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.’
મહાત્મા ગાંધી પરની આ અનટાઇટલ્ડ ફિલ્મનું દિગ્દર્શન સુધીર મિશ્રા અને અનુભવ સિંહા કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ અનુભવ સિંહા અને નરેન્દ્ર હિરાવત એ બનારસ મીડિયાવર્ક્સના બેનર હેઠળ કરી રહ્યા છે.એનએચ સ્ટુડિયો આ ફિલ્મ રજૂ કરી રહ્યું છે. આ ફિલ્મ મહાત્મા ગાંધીના જીવનમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો દર્શાવશે.















































