અમરેલી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી વિશેષ સ્વચ્છતા અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગતરોજ ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં શહેરના પ્રબુધ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને સેવાના રંગે રંગાયેલા વાતાવરણમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા પ્રત્યે પોતાની નૈતિક ફરજ નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નાગરિકો, ભાઈઓ-બહેનો અને યુવાનોએ એકસાથે શપથ લઈને પોતાના ઘર, શેરી, મહોલ્લા તથા જાહેર સ્થળોને કચરામુક્ત રાખવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓએ સ્વચ્છતા માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન હોવાનું જણાવી લોકભાગીદારી માટે અપીલ કરી હતી. આગામી દિવસોમાં શ્રમદાન સાથે અભિયાનને અમરેલીના ખૂણે-ખૂણે પહોંચાડાશે.