વડોદરા શહેરના તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જતા સૂર્યનગર વિસ્તારમાંથી એક અત્યંત શંકાસ્પદ ઘટના સામે આવી છે. સૂર્યનગર પાસે આવેલા એક બસ રિપેરિંગના કારખાનામાં ઊભેલી બસના દરવાજામાં ગળું ફસાઈ જવાથી માત્ર ૭ થી ૮ વર્ષના માસૂમ બાળક દિવ્યેશ રાકેશ રાઠવાનું કરૂણ મોત નિપજ્યું છે. જાણવા મળી રહ્યું છે કે બાળક રમતા-રમતા બસના દરવાજામાં ગળું ફસાઈ ગયું હતું. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સયાજી હોÂસ્પટલ ખસેડાયા બાદ તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.મળતી માહિતી મુજબ, એસી રિપેરિંગ કામકાજ માટે આવેલી જે.જી. ટ્રાવેલ્સની પાર્ક કરેલી બસ નજીક માસૂમ દિવ્યેશ રમી રહ્યો હતો. રમતા-રમતા અચાનક જ બસના ઓટોમેટિક કે હાઇડ્રોલિક દરવાજામાં તેનું ગળું ફસાઈ ગયું હતું. ગંભીર હાલતમાં બાળકને તુરંત સારવાર અર્થે વડોદરાની સયાજી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના પિતા એસ.આર. એનર્જી કંપનીમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અચાનક જ કાળનો પંજા માસૂમ બાળકને છીનવી જતાં શ્રમજીવી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ ઘટનામાં સૌથી મોટો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ તપાસ દરમિયાન કારખાનાના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં માસૂમ બાળકના મૃત્યુ પહેલાના અને તે બાદના દ્રશ્યો તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ બાળક કેવી રીતે અને કયા સંજાગોમાં દરવાજામાં ફસાયો તે સમયના મહત્વના ૧૫ મિનિટના ફૂટેજ ગાયબ મળી આવ્યા છે. એન સમયે જ રહસ્યમય રીતે ૧૫ મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ થઈ જતાં આ ઘટના માત્ર અકસ્માત છે કે પછી કોઈની ઘોર બેદરકારી કે ષડયંત્ર, તે અંગે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
બનાવની જાણ થતાં જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ગાયબ થયેલા ૧૫ મિનિટના સીસીટીવી ફૂટેજ અંગે પોલીસે ટેકનિકલ ટીમની મદદ લીધી છે. વિડીયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે કે કેમ અને બસનો દરવાજા પોતે બંધ થયો કે કોઈએ કર્યો હતો, તે તમામ પાસાઓ પર કપુરાઈ પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે.







































