બે દિવસ પહેલા સમગ્ર દેશમાં ૮૦માં સ્વતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી થઈ.દેશની ૧૫૦ કરોડની આબાદી દેશભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. થોડું વિચારીએ તો આ આઝાદી… માત્ર ચાર અક્ષરનો આ શબ્દ નથી. આ શબ્દની પાછળ અસંખ્ય આહુતિઓ છે, અનેક પરિવારોની વેદના છે, હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંઘર્ષ છે અને લાખો દેશવાસીઓનાં સપનાં છે. આજે
આભાર – નિહારીકા રવિયા આપણે ખુલ્લા આકાશ નીચે શ્વાસ લઈ શકીએ છીએ, પોતાના વિચારો વ્યક્ત કરી શકીએ છીએ, પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી શકીએ છીએ અને પોતાની રીતે જીવન જીવી શકીએ છીએ આ બધું આપણને સહજ રીતે મળેલું નથી. તેની પાછળ આપણા પૂર્વજોના સંઘર્ષની લાંબી ગાથા છે.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતે બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્તિ મેળવી. પરંતુ એ દિવસ માત્ર સત્તા પરિવર્તનનો દિવસ નહોતો; એ દિવસ ભારતીય આત્મસન્માનના પુનર્જન્મનો દિવસ હતો. સદીઓની પરાધીનતા બાદ દેશે પોતાની ઓળખ, પોતાના નિર્ણય અને પોતાના ભવિષ્યની દિશા નક્કી કરવાનો અધિકાર મેળવ્યો.
આજે જ્યારે આપણે તિરંગો લહેરાતો જોઈએ છીએ ત્યારે કદાચ આપણને તેની ત્રણ રંગોની સુંદરતા દેખાય છે, પરંતુ તેની પાછળ રહેલો ત્યાગ ઘણી વખત ભૂલી જઈએ છીએ. તિરંગાનો દરેક રંગ આપણને કંઈક કહે છે. કેસરિયો ત્યાગ અને સાહસની યાદ અપાવે છે, સફેદ શાંતિ અને સત્યનો સંદેશ આપે છે, લીલો સમૃધ્ધિ અને વિકાસની આશા જગાવે છે અને અશોકચક્ર આપણને સતત ગતિશીલ રહેવાનો સંદેશ આપે છે.
આઝાદીનો સાચો અર્થ શું?
આઝાદીનો અર્થ મનફાવે તેમ જીવવાની છૂટ નથી. આઝાદીનો સાચો અર્થ છે કે જવાબદારી સાથે મળેલી સ્વતંત્રતા. મને બોલવાનો અધિકાર છે, પરંતુ મારી વાતથી કોઈની લાગણીને અન્યાયી રીતે ઠેસ ન પહોંચે તેની જવાબદારી પણ મારી છે.મને રસ્તા પર ચાલવાનો અધિકાર છે, પરંતુ રસ્તો સ્વચ્છ રાખવાની જવાબદારી પણ મારી છે. મને સરકારની ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ દેશના કાયદા અને લોકશાહી સંસ્થાઓનું સન્માન કરવાની જવાબદારી પણ મારી છે. મને મત આપવાનો અધિકાર છે, પરંતુ યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની સમજદારી પણ મારી છે. આથી જ આઝાદી માત્ર અધિકારોનો ઉત્સવ નથી; તે કર્તવ્યોની યાદ અપાવતો દિવસ પણ છે.
શું આપણે ખરેખર આઝાદ છીએ?
આ પ્રશ્ન થોડો કઠિન છે, પરંતુ વિચારવા જેવો છે.દેશ રાજકીય રીતે આઝાદ થયો છે, પરંતુ શું દરેક વ્યક્તિ ભયથી મુક્ત છે? શું દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે? શું દરેક ગરીબને સન્માનપૂર્વક જીવન જીવવાની તક મળે છે? શું સમાજ જાતિ, ધર્મ, ભાષા અને આર્થિક અસમાનતાના ભેદથી સંપૂર્ણપણે મુક્ત થયો છે?
આઝાદીના ૭૯ વર્ષ પછી પણ જો કોઈ બાળક ભૂખ્યું સૂવે, કોઈ યુવાન રોજગાર માટે ભટકે, કોઈ
વૃધ્ધ એકલતામાં જીવન પસાર કરે, કોઈ સ્ત્રી અસુરક્ષિત અનુભવે અથવા કોઈ વ્યક્તિ માત્ર પોતાની ઓળખને કારણે ભેદભાવનો ભોગ બને તો આપણી આઝાદીની યાત્રા હજુ અધૂરી છે.આથી આઝાદીનો અર્થ માત્ર અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢવાનો નથી. આઝાદીનો અર્થ છે દરેક ભારતીયના જીવનમાંથી ભય, ભૂખ, અજ્ઞાન, અન્યાય અને અસમાનતાને દૂર કરવી.
ગુલામીના નવા સ્વરૂપો
એક સમય હતો જ્યારે આપણું શાસન વિદેશી સત્તાના હાથમાં હતું. આજે શાસન આપણા હાથમાં છે, પરંતુ ગુલામીના કેટલાક નવા સ્વરૂપો આપણી આસપાસ જોવા મળે છે.વ્યસનની ગુલામી, અંધશ્રધ્ધાની ગુલામી, ખોટી માહિતીની ગુલામી, મોબાઇલની અતિશય નિર્ભરતા, દેખાદેખીની માનસિકતા, લોભ અને ભ્રષ્ટાચાર;આ બધું પણ માણસને અંદરથી ગુલામ બનાવે છે.
જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકતો નથી, તે એક અર્થમાં પોતાના ગુસ્સાનો ગુલામ છે.જે વ્યક્તિ લોભથી બહાર આવી શકતો નથી, તે લોભનો ગુલામ છે.જે વ્યક્તિ સત્ય જાણ્યા વિના અફવાઓને આગળ ધપાવે છે, તે અજ્ઞાનનો ગુલામ છે.આથી સાચી આઝાદી બહારની પરિસ્થિતિ બદલવાથી જેટલી મળે છે, એટલી જ અંદરની નબળાઈઓ પર વિજય મેળવવાથી પણ મળે છે.
યુવાનો અને આઝાદી
આજની યુવા પેઢી ભારતનું સૌથી મોટું સામર્થ્ય છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે ભારત માટે લડત આપી હતી, તે ભારતને નવી ઊંચાઈએ લઈ જવાની જવાબદારી હવે યુવાનોની છે.આજે યુવાનો પાસે ટેક્નોલોજી છે, શિક્ષણની તકો છે, વિશ્વ સાથે જોડાવાની ક્ષમતા છે. પરંતુ સાથે એક મોટો પડકાર પણ છે કે આ સુવિધાઓનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવો કે
માત્ર મનોરંજન માટે?
એક યુવાન જો પોતાની પ્રતિભાનો ઉપયોગ નવી શોધ કરવા માટે કરે, કોઈને રોજગાર આપે, સમાજની સમસ્યાનો ઉકેલ શોધે, ઈમાનદારીથી પોતાનું કામ કરે તો તે પણ દેશસેવા જ કરે છે.દેશભક્તિ માત્ર વોટ્સઅપ સ્ટેટ્સ મુકવાથી સાબિત થતી નથી.એક નેતા પક્ષપાત રાખ્યા વિના લોકસેવાના કામ કરે, એક શિક્ષક ઈમાનદારીથી ભણાવે, ડોક્ટર નિષ્ઠાથી દર્દીની સેવા કરે, ખેડૂત મહેનતથી અન્ન પેદા કરે, વેપારી પ્રમાણિકતાથી વ્યવસાય કરે અને કર્મચારી પોતાની ફરજ ઈમાનદારીથી બજાવે તો આ બધું રાષ્ટ્રસેવા છે.
દેશ બદલવાની શરૂઆત ક્યાંથી થાય?
આપણે ઘણીવાર કહીએ છીએ કે “દેશ બદલવો જોઈએ.” પરંતુ દેશ કોઈ અલગ વસ્તુ નથી. દેશ એટલે આપણે.આપણે બદલાઈશું તો પરિવાર બદલાશે. પરિવાર બદલાશે તો સમાજ બદલાશે. સમાજ બદલાશે તો રાષ્ટ્ર બદલાશે.દેશને સ્વચ્છ બનાવવા પહેલાં આપણે પોતાનું ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો પડશે.ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરતાં પહેલાં આપણે નાની-મોટી ગેરરીતિને “ચાલે છે” કહીને સ્વીકારવાનું બંધ કરવું પડશે.રાષ્ટ્રમાં એકતા જોઈએ તો પોતાના મનમાંથી ભેદભાવ દૂર કરવો પડશે.આઝાદીની સાચી ઉજવણી ત્યારે જ થશે જ્યારે આપણે દેશ પાસેથી અધિકારો માગવાની સાથે પોતાના કર્તવ્યો નિભાવવાનું પણ શીખીશું.
શહીદોના બલિદાનને સાચી શ્રધ્ધાંજલિ
આપણે દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વે શહીદોને યાદ કરીએ છીએ. તેમના ફોટા પર પુષ્પાંજલિ કરીએ છીએ, દેશભક્તિના ગીતો ગાઈએ છીએ અને તિરંગાને સલામી આપીએ છીએ.પરંતુ શહીદોને સૌથી મોટી શ્રધ્ધાંજલિ શું હોઈ શકે?
માત્ર એક દિવસ દેશભક્તિની વાતો કરવી નહીં, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ દેશ માટે ઈમાનદારીથી જીવવું.એક સારો નાગરિક બનવું.કાયદાનું પાલન કરવું.બીજાના અધિકારોનું સન્માન કરવું. દેશની સંપત્તિને પોતાની સંપત્તિ સમજવી અને મુશ્કેલીના સમયમાં “કોઈક કરશે” એવું વિચારવાને બદલે “હું શું કરી શકું?” એવો પ્રશ્ન પૂછવો.
તિરંગો આપણને શું કહે છે?
જ્યારે તિરંગો પવનમાં લહેરાય છે ત્યારે જાણે તે આપણને એક મૌન સંદેશ આપે છે કે “મને માત્ર ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ યાદ ન કરશો. તમારા સારા કર્મોમાં મને જીવંત રાખજો.તમારી ઈમાનદારીમાં મને જીવંત રાખજો.તમારી એકતામાં મને જીવંત રાખજો.તમારી માનવતામાં મને જીવંત રાખજો.”તિરંગાની સાચી શાન ત્યારે જ છે જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના કર્તવ્યને ઈમાનદારીથી નિભાવે.
અંતે એક વિચાર…
આપણે આપણા બાળકોને વારંવાર કહીએ છીએ કે “તમારે દેશનું ભવિષ્ય બનવાનું છે.” પરંતુ હકીકત એ છે કે દેશનું ભવિષ્ય આવતીકાલે નહીં, આજથી બને છે.આપણે આજે જે વિચારીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, જે સંસ્કાર આપીએ છીએ અને જે વર્તન કરીએ છીએ તેમાંથી જ આવતીકાલનું ભારત જન્મે છે.
આઝાદી આપણને વારસામાં મળી છે, પરંતુ આવતી પેઢીને કેવું ભારત આપવું તે આપણી જવાબદારી છે.આ સ્વાતંત્ર્ય પર્વે માત્ર એટલું ન કહીએ કે“ભારત માતા કી જય.”પરંતુ પોતાના અંતરમાં એક સંકલ્પ પણ કરીએ કે“હું મારા દેશ માટે ઈમાનદારીથી જીવીશ, મારી ફરજ નિભાવીશ, ભેદભાવથી ઉપર ઊઠીશ, દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરીશ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક સારું કરીશ.”
એક સારા નાગરિક તરીકે જીવવું.
જય હિંદ!
વંદે માતરમ!


































