ગુજરાત સરકારે રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય અને સામુદાયિક વિકાસને વધુ વેગ આપવા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેના જરૂરી ઠરાવો બહાર પાડીને જિલ્લા પંચાયતો અને જિલ્લા કલેક્ટરોને ફાળવવામાં આવતી ગ્રાન્ટની નીતિમાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે.
સ્થાનિક અગ્રતા ધરાવતા સામુદાયિક વિકાસના કામો ઝડપથી પૂર્ણ થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા જિલ્લા પંચાયત માટે વાર્ષિક રૂપિયા ૩ કરોડની ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ આ ગ્રાન્ટના આયોજન માટે નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખે પોતાની ટર્મના પ્રથમ બે વર્ષ દરમિયાન વાર્ષિક ૩ કરોડ લેખે વિકાસકામોનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા પંચાયત પ્રમુખની કુલ ટર્મ ૨ વર્ષ અને ૬ મહિના (અઢી વર્ષ) ની હોય છે. આ ટર્મના અંતિમ છ મહિના માટે ૪૦ લાખના કામોનું આયોજન કરવાનું રહેશે.
જા અંતિમ છ મહિનાની ૪૦ લાખની ગ્રાન્ટના કામોનું આયોજન બાકી રહે તો તે નવી નિયુક્તિ પામનારા જિલ્લા પંચાયત પ્રમુખ પાસેથી મેળવવાનું રહેશે. જિલ્લા પંચાયત પ્રમુખની ગેરહાજરી હોય અથવા પંચાયતમાં વહીવટદાર શાસન હોય તેવા સંજાગોમાં આ ગ્રાન્ટની સત્તા ‘જિલ્લા આયોજન મંડળ’ના હસ્તક રહેશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસકામો યોગ્ય રીતે થાય તે માટે ગ્રાન્ટની ફાળવણી સમપ્રમાણ ધોરણે કરવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વો (૧૫મી ઓગસ્ટ, ૧૬મી જાન્યુઆરી) તેમજ ૧લી મે ‘ગુજરાત સ્થાપના દિવસ’ની રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન વિકાસકામો માટે આપવામાં આવતી ગ્રાન્ટની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
સરકારની ૫ ઓગસ્ટ ૨૦૨૬ ની મંજૂરીના આધારે જાહેર કરાયેલા નવા ઠરાવ મુજબ ગ્રામ્ય વિસ્તારો માટે જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોના સામુદાયિક વિકાસ માટે ૫ કરોડની ગ્રાન્ટ મળશે. શહેરી વિસ્તારોના વિકાસ અર્થે જિલ્લા કલેક્ટરને ૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસીય કામો હાથ ધરવા માટે પણ ૫ કરોડની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટના ઉપયોગ અંગેના અન્ય તમામ પ્રવર્તમાન નિયમો અને શરતો યથાવત રહેશે










































