અમરેલીમાં ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય બનાવવા જિલ્લા સેવાસદનમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ ભરત સુતરિયા સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૧૫ ઓગસ્ટે અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મેદાનમાં મુખ્ય ધ્વજવંદન અને રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. શહેરના મુખ્ય માર્ગો, ચોક-ચોરાહા અને મહત્વના સ્થળોને આકર્ષક સજાવટ તથા રોશનીથી શણગારવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે ૧૪ ઓગસ્ટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘એટ હોમ’ કાર્યક્રમ તેમજ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કરોડો રૂપિયાના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.







































