રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બનાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલા શંકાસ્પદ અને બનાવટી ઘી બનાવવાના ગેરકાયદે યુનિટને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ સમગ્ર નેટવર્ક કોઈ ઔદ્યોગિક વિસ્તારમાં નહીં, પરંતુ સામાન્ય લોકોની અવરજવર વાળા એક રહેણાંક મકાનની અંદર ખૂબ જ ગુપ્ત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.એસઓજીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેરકાયદે કારખાનામાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીનું રાસાયણિક મિશ્રણ કરીને આબેહૂબ અસલી દેખાય તેવું શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં તૈયાર કરાયેલું શંકાસ્પદ ઘી, વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘીનો જથ્થો તેમજ બ્રાન્ડેડ કંપનીઓના નામે પેકિંગ કરવા માટે રાખેલા ખાલી ડબ્બા અને અન્ય પેકિંગ સામગ્રીનો મોટો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે.જ્યારે એસઓજીની ટીમે મકાન પર અચાનક દરોડો પાડ્યો, ત્યારે ત્યાં આ નકલી ઘીના પેકિંગની કામગીરી જારશોરથી ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી પેકિંગ કરતા સંજય વિરાણી નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલાની ગંભીરતાને જાતાં એસઓજી દ્વારા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર્સે સ્થળ પરથી શંકાસ્પદ ઘીના અલગ-અલગ સેમ્પલ (નમૂના) મેળવીને તેને વધુ તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલ પૂરતું પોલીસ તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર રીતે જાણવા જાગ (જાનજાગ) નોંધ કરીને આગળની કાયદેસરની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.હવે પોલીસ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, આ શંકાસ્પદ ઘી કયા-કયા બજારો કે વેપારીઓને વેચવામાં આવતું હતું અને આ ગેરકાયદે ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો હતો. આ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે એસઓજી દ્વારા કડક પૂછપરછ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.








































