સુરતના વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન મામલે ચર્ચામાં આવેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત ગુજરાત પોલીસ સેવાના ૬ અધિકારીઓને ભારતીય પોલીસ સેવામાં પ્રમોશન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર અધિસૂચના બાદ આ નિર્ણય સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રમોશનના માત્ર ૭ દિવસ પહેલા જ હાઇકોર્ટે ડિમોલિશન મામલે કડક વલણ અપનાવી તીખા સવાલો કર્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં ૨૫ જૂનના રોજ નાસીરનગર ડિમોલિશન મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અરજદારોના વકીલે આક્ષેપ કર્યો હતો કે, કોઈપણ પ્રકારની નોટિસ કે કાયદેસરની પ્રક્રિયા વિના સુરત મહાનગરપાલિકા દ્વારા ૩૦ મેના રોજ ૧૫૦થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ તંત્રની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં તેમણે પુછવામાં આવ્યું હતું કે જા ડિમોલિશન એસએમસી દ્વારા નહોતું કરાયું, તો ત્યાં પોલીસ અને એસએમસીના કર્મચારીઓ શું કરી રહ્યા હતા? પોલીસ કમિશનરને ફરિયાદ મળી હોવા છતાં કેમ નોંધવામાં ન આવી? ડિમોલિશન સ્થળે કયા અધિકારીઓ હાજર હતા? કોર્ટના આ સવાલોની ઝપેટમાં આવેલા ડીસીપી રાજદીપસિંહ નકુમની હાજરી અંગે પણ ચર્ચા થઈ હતી. કોર્ટના આ તેવરના માત્ર એક અઠવાડિયામાં જ તેમને આઇપીએસ તરીકે પ્રમોશન મળતા આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
જેમને પ્રમોશન મળ્યું છે તેમાં ૧. રાજદીપસિંહ નકુમ (હાલઃ ડીસીપી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સુરત)
૨. ભરતકુમાર રાઠોડ (હાલઃડીસીપી, ઝોન-૨, અમદાવાદ શહેર)
૩. રાકેશ દેસાઈ (હાલઃ ડીસીપી, ઝોન-૨, રાજકોટ શહેર)
૪. કલ્પેશ ચાવડા (હાલઃ એસઆરપી ગ્રુપ, ગોંડલ)
૫. પ્રફુલ વાણીયા
૬. રાજેશકુમાર પરમાર
તમને જણાવી દઈએ કે રાજદીપસિંહ નકુમ હાલ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી તરીકે ફરજ બજાવે છે. આ સિવાય ભરતકુમાર રાઠોડ અમદાવાદ શહેર ડીસીપી ઝોન ૨માં ફરજ પર છે, જ્યારે રાકેશ દેસાઈ રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨માં ફરજ પર છે અને કલ્પેશ ચાવડા એસઆરપી ગ્રુપ ગોંડલ ખાતે ફરજ બજાવી રહ્યા છે.