મહીસાગર જિલ્લાના વીરપુરમાં એક એવી ઘટના બની છે, જે આખા વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ બની રહી છે. લીમરવાડા ગામના યુવાન દિગ્વીજયસિંહ રાઠોડે પોતાને રાખડી બાંધનાર બહેન શેખ આસિફાને સગી બહેન જેમ માન આપીને મામેરું ભર્યું. દિગ્વીજયસિંહે એક સગા ભાઈની જેમ જ મામેરું ભરીને સમાજમાં સંદેશ આપ્યો કે માનવતા અને સ્નેહના સંબંધો ધર્મની સીમાઓથી ઘણા ઉપર હોય છે.
આસિફાબેન વર્ષોથી દિગ્વીજયસિંહને રાખડી બાંધતા હતા. જ્યારે બહેનના ઘરે પ્રસંગ આવ્યો, ત્યારે રાખડીનું ઋણ ચૂકવતાં દિગ્વીજયસિંહ પોતાના આખા પરિવાર સાથે ડી.જે.ના તાલે વાજતે-ગાજતે વીરપુરના રિલીફ કમ્પાઉન્ડ ખાતે આસિફા શેખના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હિન્દુ પરંપરા મુજબ, બહેન માટે સોના-ચાંદીના દાગીના, કિંમતી સાડીઓ, કપડાં અને ઘરવખરીનો સામાન મામેરા તરીકે અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે બહેન આસિફાના પરિવારે પણ આ મામેરાને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હર્ષભેર વધાવ્યું હતું. મુસ્લીમ પરિવાર દ્વારા હિન્દુ સંસ્કૃતિ મુજબ ભાઈ અને તેમના પરિવારનું કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આસિફાબેનના ઘરે મુસ્લીમ મહિલાઓ અને યુવકોએ ડી.જે.ના તાલે ગરબા રમીને મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
કોમી એકતાનો સંદેશ – આ તકે દિગ્વીજયસિંહ રાઠોડે જણાવ્યું કે, “મેં આસિફાને બહેન બનાવેલી છે, મેં આજે બહેનના ઘરે મામેરું ભર્યું છે, બહેનના મુસ્લીમ પરિવારે અમને આવકાર્યા છે અને અમારું સન્માન કર્યું છે.”આમ દિગ્વીજયસિંહ રાઠોડે ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક રાખડીનું માન જાળવીને માત્ર મહીસાગર જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.









































