અમરેલી શહેરમાંથી ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક દુકાનમાં ખરીદીના બહાને આવેલી બે અજાણી મહિલાઓએ સાહેદનું ધ્યાન ચૂકવીને લાખો રૂપિયાની કિંમતની સોનાની બંગડીના સેટ પર હાથ સાફ કરી દીધો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ અંગે હાર્દિકભાઇ સુરેશભાઇ કાત્રોડીયા (ઉ.વ.૪૫)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દુકાનમાં બે અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી.
દુકાનમાં રાખેલા સોનાના દાગીના જોતી વખતે, આ મહિલાઓએ ચાલાકીપૂર્વક ત્યાં હાજર સાહેદનું ધ્યાન ભટકાવ્યું હતું. ટેબલ પર પડેલા સોનાની બંગડીઓના આઠથી નવ સેટમાંથી એક આખો સોનાની બંગડીનો સેટ નજર ચૂકવીને ચોરી લીધો હતો અને ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. ચોરી થયેલા સોનાની બંગડીના સેટનું કુલ વજન ૨૧.૦૮૦ ગ્રામ હતું જેની અંદાજિત કિંમત રૂપિયા ૩,૩૫,૦૦૦ જેટલી છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ વાય કાઝી વધુ તપાસ કરી રહ્યા છે.






































