જિલ્લામાં બે અલગ-અલગ હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે, જેમાં એક તરફ વલસાડ શહેરમાં આર્થિક તંગીથી કંટાળીને ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોયે ગગનચુંબી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે, તો બીજી તરફ કપરાડાના કુખ્યાત કુંભઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે એક વ્યક્તિનો ભોગ લીધો છે. આ બંને ઘટનાઓને પગલે સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
પ્રથમ ઘટનામાં, વલસાડ શહેરની નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલી દમણગંગા બિલ્ડીંગમાં એક અત્યંત કરુણ ઘટના ઘટી હતી. અહીં ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોય તરીકે કામ કરતા માનવ નામના યુવકે બિલ્ડીંગના ૧૩મા માળેથી મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી લીધું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પરિવારમાં માત્ર માતા અને બહેનની જવાબદારી વહન કરતા માનવ પર દેવું વધી ગયું હતું. આ ગંભીર આર્થિક સંકડામણનો સામનો ન કરી શકતા આખરે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સોસાયટીના પ્રમુખ હેતલ દેસાઈ સહિતના લોકોની પૂછપરછ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, વલસાડના કપરાડા સ્થિત કુંભઘાટ ફરી એકવાર વાહનચાલકો માટે ‘ડેથ ઝોન’ સાબિત થયો છે. અહીં એક આઇસર ટેમ્પો, ટ્રક, કાર અને બાઇક વચ્ચે એકસાથે ધડાકાભેર ત્રિપંખીયો-ચોપંખીયો અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં કમનસીબે બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને બાદમાં કપરાડા પોલીસે સ્થળ પર પહોંચીને થાળે પાડ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










































