માનવ જીવનમાં સફળતા, સંતોષ અને સાર્થકતાનો સૌથી મોટો આધાર જો કોઈ હોય તો તે છે, પરિશ્રમ. મહેનત માત્ર આર્થિક સમૃધ્ધિ જ નથી આપતી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વનું પણ ઘડતર કરે છે. એક પ્રખ્યાત વિચાર છે એજ વાત સમજાવે છે કે, પરિશ્રમ માંણસને ત્રણ કુટેવોથી બચાવે છે; કંટાળો, કુટેવ અને કુકર્મ આ વાક્યમાં જીવનનું એક ઊંડું સત્ય સમાયેલું છે.
કંટાળો એ માણસનો સૌથી મોટો શત્રુ છે. જ્યારે વ્યક્તિ પાસે કોઈ હેતુપૂર્ણ કાર્ય ન હોય, ત્યારે તેનું મન ભટકવા લાગે છે. ખાલી મન ઘણીવાર નિરાશા, ઉદાસીનતા અને નકારાત્મક વિચારોનું ઘર બની જાય છે. પરંતુ જે વ્યક્તિ પોતાના કામમાં સતત વ્યસ્ત રહે છે, તે હરહંમેશ મસ્ત રહે છે અને એના જીવનમાં કંટાળાને ક્યાંય સ્થાન જ મળતું નથી. ખેડૂત ખેતરમાં મહેનત કરે, વિદ્યાર્થી અભ્યાસમાં તલ્લીન રહે કે કર્મચારી પોતાની ફરજમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલો રહે તો તેને જીવનમાં કંટાળો ઓછો સતાવે છે.
પરિશ્રમ આપણને કુટેવોથી પણ દૂર રાખે છે. વ્યસન, આળસ, સમયનો દુરુપયોગ અને અન્ય ખરાબ ટેવો ઘણીવાર નવરાશ અને નિષ્ક્રિયતામાંથી જન્મે છે. જ્યારે વ્યક્તિ પોતાની શક્તિ અને સમયને સકારાત્મક કાર્યમાં લગાવે છે, ત્યારે તેને ખોટા રસ્તા તરફ જવાની શકયતા મળતી નથી. એક યુવાન જો રમતગમત, અભ્યાસ કે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે, તો તે વ્યસન જેવી કુટેવોથી દૂર રહેવાની વધુ શક્યતા ધરાવે છે.નિવૃત વ્યક્તિ સારા પુસ્તકોનું વાંચન,ભજન સત્સંગ કે દેવ દર્શન જેવી
પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે તો તે કંટાળો અને પારકી પંચાત જેવી કુટેવોથી દુર રહી શકે છે.
ત્રીજું અને સૌથી મહત્વનું, પરિશ્રમ આપણને કુકર્મોથી બચાવે છે. નવરાશ અને બેકારી ઘણી વખત ખોટા વિચારો અને ખોટા કાર્યોને જન્મ આપે છે. આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે કે “ નવરો બેઠો નખ્ખોદ વાળે”.ચોરી, છેતરપિંડી, અનૈતિક પ્રવૃત્તિઓ અને સમાજવિરોધી કાર્યો પાછળ ઘણીવાર નિષ્ક્રિયતા,નવરાશ અને જવાબદારીનો અભાવ જવાબદાર હોય છે. મહેનતુ વ્યક્તિ પોતાના કાર્ય અને ધ્યેયમાં એટલો વ્યસ્ત હોય છે કે તેને કુકર્મો માટે વિચાર જ આવતો નથી કે સમય જ મળતો નથી.
એક નાનકડું ઉદાહરણ જોઈએ. બે મિત્રો હતા. એક મિત્ર દિવસભર મહેનત કરીને પોતાના ધંધામાં આગળ વધતો રહ્યો, જ્યારે બીજો મિત્ર નવરો રહીને ખરાબ સંગતમાં પડ્યો, આથી વ્યસનો,ચોરી,લૂંટફાટ,ગુંડા ગરદી અને દુષ્કૃત્યોની ટેવ પડી ગઈ. વર્ષો પછી પહેલો મિત્ર સમાજમાં માન-સન્માન પામ્યો અને બીજો મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયો. આ ઉદાહરણ દર્શાવે છે કે પરિશ્રમ માત્ર કમાણીનું સાધન નથી, પરંતુ સારા જીવનનું પણ રક્ષણ કવચ છે.
પ્રકૃતિ પણ આપણને પરિશ્રમનો પાઠ શીખવે છે. મધમાખી સતત મહેનત કરીને મધ એકત્રિત કરે છે, કીડી સતત પ્રયત્ન કરીને પોતાના માટે ભોજન ભેગું કરે છે. સૂઘરી જેવા પક્ષીઓ એક એક સળી ભેગી કરીને સતત પ્રવૃત્તિમય રહીને સરસ મજાના માળાનું નિર્માણ કરે છે. પ્રકૃતિમાં કોઈ પણ જીવ આળસુ નથી. માણસને તો ઈશ્વરે બુધ્ધિ અને શક્તિ બંને આપી છે, તેથી તેણે પરિશ્રમનો માર્ગ અપનાવવો વધુ જરૂરી છે.સામાન્ય પરિસ્થિતિમાં જીવતો મજૂર માણસ સતત મહેનત મજૂરીમાં વ્યસ્ત રહેવાના કારણે જ છાશ રોટલામાં અમીનો ઓડકાર માણી શકે છે જ્યારે શિક્ષિત અને સાધન સંપન્ન વ્યક્તિ પણ નવરો રહે તો નિંદનીય કાર્યમાં સામેલ થવાના કારણે તેને દૂધ પણ સંતોષ નો ઓડકાર આપી શકતું નથી.
પ્રવૃત્તિમય માણસ પથ્થરના ઓશીકે માટીની પથારીમાં મસ્ત ઊંઘ માણી શકે છે જ્યારે નવરો માણસ પોચા ઓશીકે, ડનલોપ ની ગાદીમાં આખી રાત ગડથોલા ખાઈને ઉજાગરાથી પીડાતો હોય છે.એટલે એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે મહેનત છે ત્યાં મનની મસ્તી સાથેની તૃપ્તિ છે અને નવરાશ છે ત્યાં સસ્તી પ્રસિધ્ધિ માટેની પીડા છે.
અંતે એટલું જ કહી શકાય કે પરિશ્રમ એ માત્ર સફળતાની ચાવી નથી, પરંતુ સારા ચરિત્રનો આધાર પણ છે. જે વ્યક્તિ મહેનતને મિત્ર બનાવે છે, તે કંટાળો, કુટેવ અને કુકર્મ જેવા ત્રણ મોટા દુશ્મનોથી બચી શકે છે.અને એટલેજ કહેવાય છે કે “પરિશ્રમ એજ પારસમણિ”.
‘‘મહેનતનો માર્ગ ભલે કઠિન હોય, પણ તે જ જીવનને ગૌરવ અને ગતિ આપે છે. નવરાશ જ્યાં દુર્ગુણો જન્માવે છે,
ત્યાં પરિશ્રમ સદગુણોના ફૂલ ખીલવે છે.’’





































