રાજકોટની એક ખાનગી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. શહેરની મેડિકેર હોસ્પિટલ અને ડો. અમિત વરસાણી સામે એક પરિણીત મહિલાની સારવારમાં ગંભીર બેદરકારી રાખવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સારવાર દરમિયાન અપાયેલા હેવી ડોઝ ઈન્જેક્શનના કારણે મહિલાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેનું જીવન પ્રભાવિત બન્યું છે.
પરિવારના જણાવ્યા મુજબ મહિલાની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અંદાજે ૨૫ લાખ જેટલું હોસ્પિટલ બિલ ચૂકવ્યા બાદ પણ યોગ્ય સારવાર અને ન્યાય ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.પરિવારજનોનો આરોપ છે કે સારવાર દરમિયાન યોગ્ય મેડિકલ કાળજી રાખવામાં આવી નહોતી અને દવાઓના ડોઝ બાબતે પણ ગંભીર ભૂલો થઈ હતી. ઈન્જેક્શન આપ્યા બાદ મહિલાની તબિયતમાં અચાનક બગાડ આવ્યો હોવાનું પરિવારનું કહેવું છે.
આ ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્પિટલ અને ડાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પરિવારના સભ્યો ન્યાય માટે વિવિધ તંત્રો અને આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆતો કરવાની તૈયારીમાં છે.આ સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. લોકોમાં ખાનગીહોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા અને દર્દીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.








































