તાજેતરમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ હતી. તેના પછી વિસાવદરમાં કોંગ્રેસ પક્ષની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કરસન ભાદરકાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલા લોકો વિસાવદર આવીને વિધાનસભ્ય બની જાય છે. વિસાવદરમાં ફક્ત બોલનારા નેતા લોકો નેતા બની જાય છે, જ્યારે કામ કરનારા કોરાણે ધકેલાઈ જાય છે.
કરસન ભાદરકાએ ગોપાલ ઇટાલિયા પર મોટાપાયા પર રાજકીય પ્રહારો કર્યા હતા. આ અગાઉ કરસન ભાદરકા આમ આદમી પાર્ટીમાં હતા. તેમણે તેમના અગાઉના આ નિર્ણયને લઈને ખેદની લાગણી પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે મારા જીવનની આ સૌથી મોટામાં મોટી ભૂલ હતી કે હું આમ આદમી પાર્ટીમાં જાડાયો હતો. મેં તો પ્રજાની સેવાની આકાંક્ષા સેવી હતી, હું એક અદનો કાર્યકર બનીને રાષ્ટ્ર નિર્માણમાં સહાયરૂપ થવા માંગતો હતો, પરંતુ તેઓ જે રાજકારણ રમ્યા તે તો બીજા પક્ષોને પણ સારા કહેવડાવે તેવું છે.
તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા તમામનું સન્માન કર્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના સંગઠનને ગામડે-ગામડે મજબૂત કરવામાં આવશે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડનારાઓને ભડવીર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ લોકો લોકશાહીના સાચા પુરસ્કર્તાઓ છે. લોકશાહી આ લડવૈયાઓના કારણે જીવંત રહી છે. તેઓ તળિયાના લોકોનો અવાજ બનીને શાસક પક્ષને ધ્રુજાવે છે. તેમના કારણે શાસક પક્ષે લોકોની વાત સાંભળવી પડે છે.
આજે દેશમાં લોકશાહી છે તે કોંગ્રેસના કારણે છે. કોંગ્રેસે અપનાવેલા લોકશાહીપૂર્ણ અભિગમના કારણે આજે દેશમાં બંધારણનું શાસન છે અને લોકશાહીપૂર્ણ અભિગમ છે. તેથી જ કોંગ્રેસ પક્ષમાં આવવાનું મેં પસંદ કર્યુ છે. આજે દેશના લોકોમાં ઉતરેલી લોકશાહી વલણ અને તેની માનસિકતા તે કોંગ્રેસ પક્ષને આભારી છે. આના કારણે આટલા વર્ષે કોંગ્રેસ તળિયે ગયો નથી, ફક્ત બીજા નંબરે જ છે. પછી તે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં. તેથી કોંગ્રેસે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બસ તેની લોકશાહીની મશાલ પ્રજ્જવલિત રાખવાની છે.








































