ચીનના ઉત્તરીય પ્રાંત શાંક્સીમાં કોલસાની ખાણમાં થયેલા મોટા ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૮૨ લોકોના મોત થયા છે. રાજ્ય મીડિયા અનુસાર, આ અકસ્માત શુક્રવારે સાંજે ચાંગઝી શહેરમાં લિયુશેન્યુ કોલસાની ખાણમાં થયો હતો, જ્યાં વિસ્ફોટ સમયે મોટી સંખ્યામાં કામદારો ભૂગર્ભમાં કામ કરી રહ્યા હતા.
રાજ્ય સંચાલિત શિન્હુઆ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ખાણમાં લગભગ ૨૪૭ કામદારો ફસાયા હોવાની આશંકા છે. શનિવારે સવારે, એજન્સીએ શરૂઆતમાં આઠ લોકોના મોત અને ૩૮ કામદારો ફસાયા હોવાની જાણ કરી હતી, પરંતુ પછીથી મૃત્યુઆંક ૮૨ પર પહોંચી ગયો.
અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. બચાવ ટીમો ખાણમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘાયલોની સારવાર અને ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ પ્રયાસોનો આદેશ આપ્યો છે.
રાષ્ટÙપતિ શી જિનપિંગે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય મીડિયા અનુસાર, ખાણ ચલાવતા અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પ્રારંભિક તપાસમાં ખાણની અંદર કાર્બન મોનોક્સાઇડ ગેસનું સ્તર માન્ય મર્યાદાથી ઘણું વધારે હોવાનું બહાર આવ્યું છે. આ ગેસ ખૂબ જ ઝેરી અને ગંધહીન છે, અને મર્યાદિત જગ્યાઓમાં જીવલેણ બની શકે છે.
અકસ્માત બાદ, ચીનના કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે છ બચાવ ટીમોના ૩૪૫ કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલ્યા. બચાવ ટીમો સતત કાટમાળ સાફ કરી રહી છે અને ખાણમાં ફસાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ચીનની કોલસાની ખાણોમાં આવા જીવલેણ અકસ્માતો સામાન્ય હતા. જાકે તાજેતરના વર્ષોમાં સલામતીના ધોરણો કડક કરવામાં આવ્યા છે, આ નવીનતમ અકસ્માતે ફરી એકવાર ખાણ સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે.