ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટર પછી ઈંટના ભઠ્ઠામાં ૬૦ વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં ૩૫ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે ગુરુવારે જાહેરાત કરી હતી કે એન્કાઉન્ટર દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સર્કલ ઓફિસર દીપક તિવારીએ જણાવ્યું હતું કે ૨૦ મેની રાત્રે, પોલીસ ચંદૌસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોની તપાસ કરી રહી હતી. બહજાઈ તરફથી આવી રહેલો એક મોટરસાઇકલ સવાર પોલીસને જાઈને ભાગવા લાગ્યો.
પોલીસે તેનો પીછો કર્યો ત્યારે તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. જવાબમાં, પોલીસની ગોળી આરોપીના જમણા પગમાં વાગી, જેમાં તે ઘાયલ થયો. ત્યારબાદ તેને ચંદૌસી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ નસીમ તરીકે થઈ છે, જે ચંદૌસી કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં વોન્ટેડ હતો. પોલીસે .૩૧૫ બોરની દેશી બનાવટની પિસ્તોલ, એક કારતૂસ, એક શેલ અને નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ જપ્ત કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, નસીમ પર ૧૯ મેની રાત્રે ચંદૌસી કોતવાલી વિસ્તારના પટ્રોયા ગામમાં ઈંટના ભઠ્ઠામાં રહેતી ૬૦ વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. એવું નોંધાયું હતું કે આરોપીએ ગુનો કરતા પહેલા મહિલાના પતિને દારૂ ખરીદવા માટે બહાર મોકલ્યો હતો. પીડિતાના પતિની ફરિયાદના આધારે, નસીમ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી, પોલીસ નસીમની શોધ કરી રહી છે અને અંતે એન્કાઉન્ટર પછી તેને પકડી લેવામાં આવ્યો છે.










































