રાજુલાના બાબરીયાધાર ગામના હર્ષદભાઈ પરમાર સાવરકુંડલા ખાતે હાથસણી રોડ પર પોતાની રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયા હતા. ત્યાં સસરા પક્ષના જગદીશભાઈ પરમારે તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં દયાબેને હર્ષદભાઈની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. પીડિતે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ જગદીશભાઈએ લોખંડના પાઇપ વડે અને અન્ય એક અજાણ્યા શખ્સે કુહાડીથી તેમના પર ઘાતક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હર્ષદભાઈ બજારમાં પહોંચ્યા હોવા છતાં આરોપીઓએ ત્યાં પણ તેમને નિર્દયતાથી માર માર્યો હતો. બંને પગમાં ફ્રેક્ચર અને શરીર પર ગંભીર ઇજાઓ થતાં તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે. સાવરકુંડલાના ડીવાયએસપી વિરલ ચંદનના જણાવ્યા મુજબ, પોલીસે હવે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરીને મુખ્ય આરોપી જગદીશભાઈની ધરપકડ કરી છે.









































