નવરચિત ધારી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ, પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને પત્ર લખીને વિસ્તૃત રજૂઆત કરી છે. તેમણે ભવિષ્યમાં ચલાલા નગરપાલિકા જેવી પ્રતિકૂળ સ્થિતિ ન સર્જાય તે માટે ભૂતકાળમાં મનમાની કરનાર કે ખરડાયેલી છબી ધરાવતા લોકોના બદલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા, શિક્ષિત, નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તાઓને વિવિધ હોદ્દાઓ સોંપવાની અપીલ કરી છે. આ સાથે તેમણે ધારી શહેરના વિકાસ માટે પાયાની જરૂરિયાતો અને મુખ્ય પ્રશ્નોના ત્વરિત ઉકેલની માગ કરી છે. જેમાં ખોડીયાર ડેમ આધારિત પીવાના શુધ્ધ પાણીની યોજના મંજૂર કરવી, નદી કિનારે વિશાળ રિવરફ્રન્ટનું નિર્માણ કરવું, તેમજ રેલ્વે ટ્રેક પર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનો સમાવેશ થાય છે. વધુમાં, તેમણે કેબીનધારકો માટે પાકી દુકાનો બનાવી દબાણ અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા, નવું ઓડિટોરીયમ અને ડ્રેનેજ યોજના તૈયાર કરવા, તેમજ બગીચો, સ્પોટ્ર્સ સ્ટેડિયમ અને અંડરગ્રાઉન્ડ વાયરિંગ સાથે સ્ટ્રીટ લાઈટો સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.








































