તાજેતરમાં જાફરાબાબાદ-રાજુલા હાઈવે પર વન્યપ્રાણી સિંહોના અકાળે થયેલા મૃત્યુની ઘટનાઓને વન વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ ગંભીર વિષય અંગે શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડાએ જણાવ્યું કે જૂનાગઢ વન્યજીવ વર્તુળના મુખ્ય વન સંરક્ષક રામ રતન નાલાના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ યોજના ઘડવામાં આવી છે. વન વિભાગે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંયુક્ત સ્થળ મુલાકાત કરીને એક મજબૂત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યારે હાઈવે પર વનકર્મીઓ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. આ ઉપરાંત વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે રમ્બલ સ્ટ્રીપ, રાત્રે ચમકતી કેટ આઈ અને વન્યજીવોની અવરજવર દર્શાવતા સાઈન બોર્ડ લગાવવામાં આવશે. માર્ગો પર ખાસ ‘રોડ સેવકો’ તૈનાત કરીને સિંહોના રક્ષણની કામગીરી વધુ મજબૂત કરાશે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતો સંપૂર્ણપણે અટકાવી શકાય.