બગસરા-જેતપુર રોડ પર હુડકો ક્વાર્ટર્સ સામે એક ખાનગી ટ્રાવેલ્સની બસે આગળ જઈ રહેલી સીએનજી લોડિંગ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ મિત્રોને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે બસ ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.
આ અંગે અમરેલીમાં શાંતિલાલ શંભુભાઇ કાલેણા (ઉ.વ.૫૯) એ શિવાય લકઝરી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેના મિત્રો કિશોરભાઈ મનસુખભાઈ સાવલીયા અને અમિતભાઈ અરવિંદભાઈ પાથરની સીએનજી ભારવાહક રિક્ષા લઈને બગસરા-જેતપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. રિક્ષા જ્યારે હુડકો સામે પહોંચી ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી ‘શિવાય પેસેન્જર ટ્રાવેલ્સ’ ની લક્ઝરી બસના ચાલકે પોતાની મુસાફરોથી ભરેલી બસ બેફિકરાઈથી ચલાવી સીએનજી રિક્ષાના પાછળના ભાગે ધડાકાભેર ભટકાવી દીધી હતી. આ ગંભીર ટક્કરના કારણે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં તેમને મોઢાની ડાબી બાજુએ ગંભીર ફ્રેક્ચરની ઇજા થઈ હતી, જ્યારે તેના મિત્રો કિશોરભાઈ અને અમિતભાઈને શરીરે તેમજ માથાના ભાગે લોહીલુહાણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રાવેલ્સનો ચાલક બસ લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી ડી કલસરિયા વધુ તપાસ કરી રહ્યા છે.







































