જૂનાગઢના ચાપરડા ખાતે ૨૬ એપ્રિલથી ૦૧ મે ૨૦૨૬ દરમિયાન આયોજિત ઇન્ટર D.L.S.S લીગ હેન્ડબોલ સ્પર્ધામાં અમરેલી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરની શ્રેષ્ઠ શાળાઓની ટીમો સામે ભાઈઓની હેન્ડબોલ ટીમે પ્રારંભિક રાઉન્ડથી જ અદભુત કૌશલ્ય અને આત્મવિશ્વાસનો પરિચય આપી ફાઇનલ સુધીની સફર સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ભવ્ય જીત સાથે સુવર્ણ પદક હાંસલ કરીને ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ટીમની આ વિશેષ સફળતા પાછળ ગજેરા સ્પોટ્ર્સ સ્કૂલનું નિયમિત પ્રશિક્ષણ તેમજ કોચ રવિભાઈ નાવડિયા, ટ્રેનર કમલેશભાઈ ભાલીયા અને ભૂમિબેનનું માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. આ અદ્ભુત સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા તેમજ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિતના પદાધિકારીઓએ વિજેતા ટીમ અને કોચને અભિનંદન પાઠવ્યા છે.








































