બાબરા તાલુકાના ખાખરીયા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. પરિવાર સુરત ખાતે પ્રસંગમાં ગયો હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૮,૬૦,૦૦૦ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.આ અંગે જાદવભાઇ સવજીભાઇ નારોલા (ઉ.વ. ૮૦) એ અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના પૌત્રની સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર સાથે સુરત ગયા હતા. આ દરમિયાન ઘર બંધ હતું. તારીખ ૧૦/૦૫/૨૦૨૬ ના સવારના આશરે સાડા દસ વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાના તાળા-નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ ઘરની અંદરના રૂમના તાળા તોડી, કબાટ અને તિજોરીના લોક તોડી નાખ્યા હતા. તિજોરીમાં રાખેલ કિંમતી ઘરેણાં અને રોકડ રકમની ચોરી થઈ હતી. ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં સોનાની માળા, સોનાનો હાર, બે સોનાની વીંટી, કાનની સોનાની પોખાની, બે સોનાની સુડલી તથા કપાસ અને સિંગના વેચાણના રાખેલા રૂ. ૩,૦૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ.૧૮.૬૦ લાખની મતાનો સમાવેશ થાય છે. બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. આર. પરમારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.