સાવરકુંડલાના બાઢડા ગામે હચમચાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક પરિણીતાને ભગાડી જનાર યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે મૃતક પાસે માફી મંગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. જેમાં જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા સહિત ૩ ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી, લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે અને ફરાર યુટ્યુબરની શોધખોળ શરૂ કરી છે.
અમરેલીના સાવરકુંડલામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી આ ઘટનાની વિગત કંઈક એવી છે કે, સુરતમાં કડિયાકામ કરતો નિલેશ ચુડાસમા નામનો યુવક એક પરિણીત મહિલાને ભગાડી ગયો હતો. આ પ્રેમ સંબંધનું મનદુઃખ રાખીને તેનું કાસળ કાઢી નાખવાનું ક્રૂર કાવતરું ઘડવામાં આવ્યું હતું. યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યા બાદ સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુવકને જીવલેણ માર માર્યા બાદ તેની પાસે માફી મંગાવવામાં આવી રહી હતી. આ વીડિયોના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
વર્ષીય મૃતક નિલેશ રમેશભાઈ ચુડાસમાને અમદાવાદથી શોધી કાઢવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના વિવાદાસ્પદ યુટ્યુબર તરુણ બાંભણીયા (તરુણ આહીર) એ નિલેશને પકડી પાડી, તેને નીચે બેસાડીને આહીર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી મંગાવતો વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં યુટ્યુબર ધમકીભર્યા સ્વરે કહી રહ્યો હતો કે, “સમાજની દીકરીને જે પણ ભગાડશે તેને છોડવામાં આવશે નહીં.” એટલું જ નહીં, આરોપીઓએ મૃતકના પરિવાર પર દબાણ લાવીને અન્ય વીડિયો પણ બનાવડાવ્યા હતા. આ માનસિક અને શારીરિક ત્રાસ બાદ યુવકની હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી.
આ મામલે સાવરકુંડલા રૂરલ પોલીસે મૃતકના ભાઈ વિરલભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત હડિયાને દબોચી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી યુટ્યુબર તરુણ બાંભણીયા હાલ ફરાર છે. પોલીસ તપાસમાં એવી પણ શક્્યતા સેવાઈ રહી છે કે, આ હત્યાકાંડમાં હજુ પણ વધુ લોકોના નામો ખુલી શકે છે. હાલ તો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.