દાડમ માં વધારે પ્રમાણમાં ઔષધિય ગુણો રહેલા છે. દાડમ ને સંસ્કૃતમાં દાડિમ, દન્તબીજક, હિન્દી માં અનાર અને અંગ્રેજીમાં Pomegranate કહેવામાં આવે છે.
ગુજરાતમાં ખેડા, વડોદરા, ધોળકા અને ભાવનગર તથા જામનગરના વિસ્તારોમાં દાડમ ખુબ થાય છે તથા મોરબી જિલ્લાના હળવદ ગામમાં દાડમના બગીચાઓ બનાવવામાં આવેલા છે તથા તે ઉપરાંત મહારાષ્ટ્રમાં પુના, સોલપુર, સતારા અને અહમદનગર જિલ્લાઓમાં તથા આપણા દેશમાં દાડમ હિમાલય જમ્મુ-કાશ્મીરના પ્રદેશો તથા સુલેમાની પહાડીઓ પર ખાસ થાય છે વિદેશોમાં અફઘાનિસ્તાન બલુચિસ્તાન મસ્કત અને કંદહારમાં ઉત્તમ જાતના દાડમ થાય છે, હાલના સમયમાં દાડમના બગીચાઓ કરી ખેડુત સારી એવી કમાણી કરતા થયા છે. આજના સમયમાં દાડમની સુધારેલી જાતો આવતા ગુજરાતના અમરેલી જીલ્લામાં પણ ખેડુત હવે દાડમના બગીચા કરવા પ્રેરાયો છે.
દાડમનો પાક આમ તો સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે. પરંતુ વિશેષ સારૂ અને ગુણવતાયુકત ઉત્પાદન લેવા માટે મધ્યમ કાપી અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે. દાડમની જાતોમાં ધોળકા, ગણેશ, મૃદૃલા, આરકતા, જયોતિ, રૂબી, લગવા વગેરે જાતો જાણીતી છે.
દાડમની રોપણી માટે ગુટી કલમ કે કટકા કલમ કરીને જમીનને ખેડી કરબથી સમતલ કરવી. ત્યારબાદ પ મીટર × પ મીટરના અંતરે અથવા ધનિષ્ઠ ખેતી પધ્ધતિમાં વાવેતર માટે ૪ મીટર × ર મીટરના અંતે રોપણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે એક હેકટરમાં ૧રપ૦ જેટલા છોડ આવે.
દાડમની રોપણી કર્યા બાદ વરસાદ ન હોય તો પાણી આપવું તથા ખામણાં કરવાં કેળવણી અને છાંટણી કરવો પડે. જાત મુજબ ખાતરો માપસર નાખવા પડે. ખામણાં પધ્ધીતથી પિયત કરવું પડે. આ પાકને નિંદણમુકત રાખવો હાથીસાંતી ચલાવી અથવા નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું. આમ, માવજત કરવાથી દાડમના પાકમાં બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં ફળ મળ્યા કરે છે.
દાડમના ઝાડ ૫ ફૂટથી ૨૦ ફૂટ સુધી ઊંચા અને બહુ ડાળીવાળા થાય છે. ક્યાંક થડની ગોળાઈ ૩ થી ૪ ફૂટની હોય છે. ઝાડની છાલ પાતળી, પીળી અને ઘેરી ભૂખરી હોય છે. પાન જરા લાંબા, અણીદાર, આગળથી જરા ગોળ અને ડાળખી પણ સામસામે હોય છે. પાનખર પછી નવા પાન મહા- ફાગણમાં આવે છે. પુષ્પ પ્રાય દરેક ઋતુમાં હોય છે, પણ ચૈત્ર વૈશાખમાં ખાસ વધુ થાય છે. ફુલની બહાર ઉપર ૫ થી ૭ પાંખડીઓ હોય છે અને ફૂલ નળાકાર હોય છે. ફળ આસો ભાદરવામાં પાકે છે. દેશ-વિદેશોમાં અલગ અલગ સમયે તે પાકે છે. ફળમાં અનેક સંખ્યામાં ચળકતા, રસદાર દાણા હોય છે. જેની વચ્ચે સફેદ સૂક્ષ્મ બી હોય છે. દાણા સ્વાદે મધુર , ખાટા કે ખટમધુર અને રંગે સફેદ, ગુલાબી કે ખૂબ લાલ હોય છે. રંગ, સ્વાદ અને દેશ મુજબ તેની અનેક જાતો છે. આયુર્વેદની અનેક દવાઓ દાડમમાંથી બને છે. તે ઉત્તમ ફળ સાથે ઉત્તમ ઔષધી પણ છે. ઝાડના મૂળની છાલમાં ગ્રાહી (સંકોચક) ગુણ સર્વાધિક હોય છે. દાડમના ઔષધીય ગુણો :મીઠા દાડમ જે છે તે ત્રિદોષનાશક, તૃપ્તિ કારક, વીર્યવર્ધક, હળવા જરા તૂરા-મધૂર, મળાવરોધક, સ્નિગ્ધ,મેઘા જનક, બળવર્ધક, ઝાડો બાંધનાર, ભૂખ-રૂચિવર્ધક, પિતશામક અને દાહ, તાવ, હદયરોગ, મુખ દુર્ગંધી, કંઠરોગ, કૃમિ, ઊલટી અને મુખરોગ નાશક છે. જ્યારે ખાટા દાડમ લૂખા , રક્તપિત્તકારક, પિતકર્તા અને વાત-કફનાશક છે અને ખટમીઠાં દાડમઃ રુચિકર્તા, ભૂખવર્ધક, વાત-પિત્તનાશક, હળવાં, લૂ અને ઝાડા તૃષાનાશક છે. ફળની છાલ કૃમિ તથા ખાંસી નાશક, મળાવરોધ તથા લોહીના ઝાડા મટાડનાર છે
દાડમ દર્દીની વધુ પથ્ય છે. દાડમનો રસ સ્વરયંત્ર, યકૃત, હૃદય, હોજરી, ફેફસા અને આંતરડાંનાં દર્દોમાં ખાસ હિતકર છે. દાડમ ખાવાથી શરીરમાં ખાસ ચેતના, સ્ફુર્તિ આવે છે. તે બારેમાસ મળે છે. ઉપયોગી અંગઃ ફળની છાલ, ઝાડની છાલ, પાન, મૂળ, ફુલ, ફળનો રસ, તમામ પંચાંગ વપરાય છે
hemangidmehta@gmail.com









































