રાજુલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત એક પોલીસ જવાનની પ્રામાણિકતાના કિસ્સાએ સૌના દિલ જીતી લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજુલા પોલીસ સ્ટેશન હેઠળ ફરજ બજાવતા જી.આર.ડી. જવાન કિશોરભાઈ ભાણાભાઈ કોટડીયાની નિમણૂક કુંડલીયાળા ગામની શાળા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં કરવામાં આવી હતી. સવારના સમયે જ્યારે તેઓ પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા ત્યારે મેદાનમાંથી તેમને રસ્તા પર પડેલા રૂ.૭,૦૦૦ રોકડા મળી આવ્યા હતા. કોઈપણ લાલચ રાખ્યા વિના કિશોરભાઈએ તાત્કાલિક અસરથી આ રકમ તેના સાચા માલિક સુધી પહોંચાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.તેમણે સ્થળ પર જાહેરાત કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ નાણાં મત આપવા આવેલા જીંજાળા પુનાભાઈ પાચાભાઈના હતા. યોગ્ય પૂછપરછ અને ખાતરી કર્યા બાદ કિશોરભાઈએ પૂરેપૂરી રકમ પરત સોંપી દીધી હતી.








































