મમતાનો અસ્ત નજીક છે ?
દેશનાં પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા પશ્ચિમ બંગાળની છે. બાકીનાં ૪ રાજ્યોમાં મતદાન પતી ગયું છે અને આજે ૨૯ એપ્રિલે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પતશે એ પછી સૌની નજર ૪ મેના રોજ જાહેર થનારાં પરિણામો પર હશે. તેમાં પણ સૌને વધારે રસ પશ્ચિમ બંગાળમાં છે કેમ કે બંગાળમાં મમતા બેનરજીને પછાડવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તો બંગાળમાં ધામા જ નાંખી દીધા છે અને એકદમ આક્રમક પ્રચાર કર્યો છે.
બંગાળ પછી આસામમાં શું થાય છે તેમાં લોકોને રસ છે કેમ કે આસામમાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે. તમિલનાડુમાં ભાજપ એઆઈએડીએમકે સાથે જોડાણમાં છે તેથી મુખ્ય ખેલાડી નથી ને કેરળમાં તો ચિત્રમાં જ નથી. પુડ્ડુચેરી નાનકડું રાજ્ય છે તેથી કોઈનું તેના તરફ ધ્યાન નથી.
બંગાળમાં ભાજપે મમતાને હરાવવા માટે ૨૦૧૬ અને ૨૦૨૧માં પણ એડીચોટીનું જોર લગાવેલું પણ ફાવ્યા નહોતા. ભાજપે એ વખતે ઉગ્ર હિંદુત્વને મોટો મુદ્દો બનાવેલો અને મમતાની તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને તોડી તોડીને મમતાને નબળાં પાડવા ભરપૂર કોશિશ કરેલી પણ મમતા અલગ માટીનાં સાબિત થયેલાં. બંગાળીઓના સ્વાભિમાનની વાતો કરીને મમતા બંગાળીઓને પોતાની તરફ વાળવામાં સફળતા મેળવેલી.
ભાજપે આ વખતે વ્યૂહરચના બદલીને મહિલાઓને દર મહિને ચોક્કસ રકમ આપવાનું વચન આપ્યું છે. ભાજપની આ ફોર્મ્યુલા બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં અક્સીર સાબિત થઈ છે તેથી બંગાળમાં આ ફોર્મ્યુલાના જોરે મમતાને પછાડી દેવાશે એવી ભાજપને આશા છે.
મમતા જેવાં લડાયક મહિલા નેતા ભારતના રાજકારણમાં બીજાં નથી થયાં.
મમતા મૂળ કોંગ્રેસી છે અને કોંગ્રેસનાં સૌથી સફળ બાગી છે. મમતાએ કોંગ્રેસ છોડીને બીજી કોઈ પાર્ટીમાં જવાના બદલે પોતાની પાર્ટી બનાવીને પોતાની તાકાત પર સત્તા હાંસલ કરીને જે વર્ચસ્વ ઉભું કર્યું એવું વર્ચસ્વ ભારતમાં બહુ ઓછા પુરૂષ નેતા પણ ઉભું કરી શક્યા છે.
ઈન્દિરા ગાંધીની હત્યા પછી વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં અનેક યુવાઓને ટિકિટ આપી હતી ને તેમાં એક મમતા બેનરજી હતાં. પશ્ચિમ બંગાળમાં એ વખતે ડાબેરી શાસન હતું ને સોમનાથ ચેટરજી દિગ્ગજ ડાબેરી નેતા હતા. ચેટરજી સામે રાજીવે ૨૯ વર્ષનાં મમતા બેનરજીને ઉતારીને મોટો જુગાર ખેલી નાંખેલો અને આ જુગાર ફળેલો. સોમનાથ ચેટરજીને ધૂળચાટતા કરીને મમતાએ રાજકારણમાં ધુરંધર સ્ટાઈલની જબરદસ્ત એન્ટ્રી કરી હતી.
મમતાને આ જીતે એક તરફ રાષ્ટ્રવ્યાપી પ્રસિધ્ધી અપાવી તો ડાબેરીઓ સાથેની જીવનભરની દુશ્મનાવટ પણ અપાવી કેમ કે મમતા ડાબેરીઓની ગુંડાગીરી સામે ગુંડાગીરી કરીને જીત્યાં હતાં.
રાજીવ ગાંધીના બોફોર્સ કૌભાંડના કારણે ૧૯૮૯ની ચૂંટણીમાં દેશમાં કોંગ્રેસ વિરોધી લહેર હતી તેથી મમતા હારી ગયેલાં પણ ૧૯૯૧માં કોલકાત્તા દક્ષિણ બેઠક પરથી જીતીને તેમણે જોરદાર કમબેક કર્યું. મમતા નરસિંહરાવ સરકારમાં માનવ સંશાધન, યુવા બાબતો અને રમતગમત તથા મહિલા અને બાળ વિકાસનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન બન્યાં હતાં. ૧૯૯૩માં રમતગમતનું સ્તર સુધારવા માટે મૂકેલી દરખાસ્ત ના સ્વીકારતાં મમતાએ પોતાની જ સરકાર સામે કોલકાત્તાના પરેડ ગ્રાઉન્ડમાં રેલી કાઢી તેમાં પ્રધાનપદ ગુમાવવું પડેલું.
કેન્દ્રીય પ્રધાનપદ જતાં મમતા બંગાળમાં આવી ગયાં.
મમતાએ એલાન-એ-જંગ કરેલું કે, હવે પોતે બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરશે. બંગાળમાંથી ડાબેરીઓની સફાઈ જ તેમનું લક્ષ્ય છે. મમતાએ બંગાળમાં જઈને ડાબેરીઓ સામે મોરચો માંડ્યો તેમાં કોંગ્રેસમાં ખાઈ બદેલા નેતાઓ સાથે પંગો થઈ ગયો. અકળાયેલાં મમતાએ સિધ્ધાર્થ શંકર રે, અબ્દુલ ગનીખાન ચૌધરી સહિતના કોંગ્રેસી નેતાઓને ડાબેરીઓના દલાલ ગણાવીને તેમની સામે પણ મોરચો માંડી દીધો. તેના કારણે મમતાને કોંગ્રેસમાંથી કાઢી મૂકવાનું કોરસ શરૂ થયું. મમતા પણ ગાંજ્યાં જાય તેમ નહોતાં. તેમણે કોલકાત્તામાં પાંચ લાખ લોકોની રેલી યોજીને કોંગ્રેસીઓ જ નહીં પણ ડાબેરીઓને પણ ચોંકાવી દીધેલા.
મમતાની તાકાત ધીરે ધીરે વધવા માંડી તેમ તેમ કોંગ્રેસમાં તેમનો વિરોધ પણ વધવા માંડ્યો. ૧૯૯૬માં મમતાએ બંગાળમાં જૂના નેતાઓને બાજુ પર મૂકીને નવા નેતાઓને તક આપવાની તરફેણ કરી પણ હાઈકમાન્ડે તેમની વાત ના માની ને ડાબેરીઓ ફરી જીતી ગયા. અકળાયેલાં મમતાએ ૧૯૯૭માં કોંગ્રેસ છોડી દીધી અને તૃણણૂલ કોંગ્રેસની સ્થાપના કરી. એ વખતે મમતાના વિરોધીઓ એવી મતાદ કરતાં કે, કોંગ્રેસ છોડીને મમતાએ રાજકીય આપઘાત કરી લીધો છે.
મમતાએ વિચલિત થયા વિના જંગ ચાલુ રાખ્યો અને ડાબેરીઓને હરાવવા ૧૯૯૯માં ભાજપ સાથે હાથ મિલાવી લીધા. મમતા ૨૦૦૧માં અટલ બિહારી વાજપેયી સરકારમાં રેલવે પ્રધાન બન્યાં. ૨૦૦૧માં વાજપેયી સરકારે પેટ્રોલના ભાવ વધાર્યા ત્યારે તેમણે તેના વિરોધમાં રાજીનામું ધરી દઈ આ ભાવવધારો પાછો ખેંચવાની ફરજ પાડી હતી. ૨૦૦૧માં સંરક્ષણ સોદાઓમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતું તહેલકા કૌભાંડ બહાર આવ્યું ત્યારે જ્યોર્જ ફર્નાન્ડીઝ સહિતના ભ્રષ્ટાચારીઓને બહાર નહીં ખદેડવાના વિરોધમાં રાજીનામું ધરી દીધું હતું.
ભાજપને છોડીને મમતા કોંગ્રેસ સાથે જોડાયાં. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કર્યું પણ ભૂંડી હાર થતાં ૨૦૦૪માં ભાજપ સરકારમાં પાછાં આવ્યાં અને કોલસા તથા ખાણ મંત્રાલયનાં પ્રધાન બન્યાં. ૨૦૦૪ની લોકસભા ચૂંટણી મમતા ભાજપ સાથે જાડાણ કરીને લડેલાં પણ તૃણમૂલમાંથી માત્ર મમતા જ ચૂંટાયાં હતાં. ૨૦૦૫માં બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ જ હાલત થઈ ત્યારે મમતા પતી ગયાં એવું મનાતું હતું.
મમતાએ ખેડૂતોની જમીનો છિનવીને ઉદ્યોગોને આપવાની બંગાળની ડાબેરી સરકારની નિતી સામે મોરચો માંડીને આ ટીકાનો જવાબ આપ્યો. ઈન્ડોનેશિયાના સલીમ ગ્રુપને નંદીગ્રામમાં તથા તાતાને નેનો પ્રોજેક્ટ માટે સિંગુરમાં જમીન આપવા સામે લડત આપીને મમતા ફરી બેઠાં થયાં. ડાબેરીઓએ પોલીસ અને બેફામ ગુંડાગીરી કરીને મમતાને દબાવી દેવા કોશિશ કરી પણ મમતા મરદની જેમ લડ્યાં ને બંગાળમાં ડાબેરીઓને સાફ કરીને ઈતિહાસ રચી દીધો. ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણીમાં ડાબેરીઓને ધોબીપછાડ આપીને તેમના ૩૫ વર્ષના શાસનનો અંત આણ્યો ત્યારથી બંગાળમાં મમતા સત્તામાં છે.
મમતા શીલાનો રેકોર્ડ તોડશે ?
ભારતમાં સૌથી સફળ મહિલા મુખ્યમંત્રીઓમાં પહેલું નામ શીલા દિક્ષીતનું લેવું પડે. શીલા દિક્ષીતે દિલ્હીમાં કોંગ્રેસને સળંગ ત્રણ વાર જીતાડીને ૧૫ વર્ષ રાજ કર્યું. શીલા દિક્ષીત ૧૫ વર્ષ અને ૨૫ દિવસના શાસન સાથે ભારતમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેનારાં મહિલા મુખ્યમંત્રી છે. શીલા ઉપરાંત માત્ર મમતા બેનરજી જ સળંગ ત્રણ વાર ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યાં છે. અને હવે ચોથી ટર્મ માટે મુખ્યમંત્રી બનવા જંગ લડી રહ્યાં છે એ જોતાં શીલાનો રેકોર્ડ કદાચ મમતા બેનરજી તોડી શકે છે.
મમતા બેનરજીએ પણ શીલા દિક્ષીતની જેમ પશ્ચિમ બંગાળ પર સળંગ ત્રણ ટર્મ શાસન કર્યું છે પણ દિવસોની રીતે તેમના ૧૫ વર્ષ પૂરા થતા નથી. મમતાએ ૧૪ વર્ષ ને ૩૪૦ દિવસ લગી રાજ કર્યું છે તેથી ૧૫ વર્ષ પૂરાં કરવામાં ૨૫ દિવસ અને શીલા દિક્ષીતનો રેકોર્ડ તોડવામાં ૫૦ દિવસ ખૂટે છે. મમતા ફરી મુખ્યમંત્રી બને તો જ આ રેકોર્ડ તોડી શકે છે.
મમતા સિવાય શીલાનો રેકોર્ડ બીજું કોઈ તોડી શકે તેમ નથી કેમ કે બીજું કોઈ શીલાની નજીક જ નથી. વસુંધરા રાજે ત્રણ વર્ષ પહેલાં સુધી રેસમાં હતાં પણ હવે નથી. વસુંધરા બે વાર રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યાં ને બે વાર પાંચ વર્ષની ટર્મ પૂરી કરીને કુલ ૧૦ વર્ષ ને ૯ દિવસ મુખ્યમંત્રી રહ્યાં. ભાજપે ૨૦૨૩માં વસુંધરાને સત્તા સોંપી હોત તો વસુંધરા શીલાનો રેકોર્ડ તોડી શક્યાં હોત પણ ભજનલાલ આવી ગયા તેમાં વસુંધરા હવે ચિત્રમાં નથી.
માયાવતી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૪ વાર મુખ્યમત્રી બન્યાં અને કુલ ૭ વર્ષ ૫ દિવસ રાજ કર્યું પણ માયાવતી ફરી મુખ્યમંત્રી બને એવી શક્યતા નહિવત છે તેથી એ પણ ચિત્રમાં નથી. . જયલલિતા પણ ૫ વાર તમિલનાડુનાં મુખ્યમંત્રી બન્યાં અને કુલ ૧૪ વર્ષ ને ૧૨૪ દિવસ રાજ કર્યું પણ હવે જયલલિતા હયાત જ નથી. રાબડીદેવી પણ ૭ વર્ષ ને ૧૭૦ દિવસ મુખ્યમંત્રી રહ્યાં. રાબડી હજુ રાજકારણમાં છે પણ દીકરા તેજસ્વીને સુકાન સોંપીને ખસી ગયાં છે તેથી મમતા સિવાય કોઈ રેકોર્ડ તોડી શકે તેમ નથી. મમતા આ વખતે રેકોર્ડ તોડી ગયાં તો ઠીક, બાકી શીલાનો રેકોર્ડ ૧૫ વર્ષ લગી નહીં તૂટે તેમ કે અત્યારે લાંબી રેસનાં કોઈ મહિલા મુખ્યમંત્રી દેખાતાં નથી. sanjogpurti@gmail.com









































