બાબરામાં નાના બસ સ્ટેન્ડ પાસે ગત તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ બપોરે સાડા બારેક વાગ્યે હુમલાની ગંભીર ઘટના બની હતી. દેવરાજીયાના રહેવાસી વિશાલભાઇ બધાભાઇ ગોહીલ પોતાના મોટર સાયકલ પર હતા, ત્યારે જૂની અદાવત રાખી આરોપી મધુભાઇ જગાભાઇ ગોહીલે પાછળથી આવી ધારીયા વડે હુમલો કર્યો હતો. વર્ષ ૨૦૨૨ માં થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં ઘા કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, ફરિયાદીએ ડાબો હાથ આડો રાખતા ગંભીર ઈજા થઈ હતી અને માંસ બહાર નીકળી આવ્યું હતુ. આરોપીએ વધુ ત્રણ-ચાર ઘા મારી પડખાના ભાગે પણ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદી વિશાલભાઈએ આરોપી મધુભાઈ સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બાબરા પીએસઆઈ ડાંગરે તપાસ હાથ ધરી છે.