બેરાલાલ આજે અલગ જ મુડમાં હતાં. કોઈ ચૂંટણીની સભા નહોતી. કોઈ ભજીયા કે ગાંઠિયાનો પ્રોગ્રામ નહોતો. છતાંય એનો મુડ ફાટ ફાટ થાતો હતો. એનાં પેટમાં વાત ઉચાળા મારી રહી હતી. કયારે બનેવીલાલ આવે અને કયારે એમને હંભળાવુ.
ત્યાં બનેવીલાલ અને બોસ બન્ને સાથે આવ્યાં.
અને બેરાલાલને મોંકો ઝડી ગયો.
‘બનેવીલાલ ! તમે તો કહેતાં હતાં કે ચૂંટણીમાં ટિકિટ મળે તો ઝંપલાવવું છે. અને તમે કાં પાણીમાં બેહી ગયાં!!’
‘પાણીમાં કોઈ નથી બેઠું. પણ ટિકિટ તો મળવી જોઈએ ને !! ટિકિટ માટે કેવડું મોટું ધમાસાણ હાલે છે, ઈ તમને ખબર છે!? હારા હારાના નામ કાપી નાખવામાં આવ્યાં છે. કોઈ કોઈ બોલે છે. તો ઘણાં ‘ય કોઠીમાં મોં ઘાલીને રડે છે. શું કરે બીચારાં !!?
વરસો સુધી પક્ષમાં દાહોલા કર્યા. અને હવે કાલ હવારનો આવીને ટિકિટ લય જાય છે.’
‘એટલે ટિકિટ લઈને કોઈ વયું જાય છે? આ થોડું સુરત છે!? સુરતમાં આવું થાય. પણ, હેં બનેવીલાલ! તમને કે ‘દિ ટિકિટ મળશે??’
‘મને લાગે છે કે ‘દિ આથમણો ઊગશે ને તે ‘દિ આપણને ટિકિટ મળશે.’
અભણ અમથાલાલ હંધૂય હાંભળી રહ્યા હતાં. એમણે જ કહ્યું.
‘દિ આથમણો જ ઊગ્યો છે. ટી.વી. વાળાઓ ગાઈ- વગાડીને કહી રહ્યા છે. અને જૂની રીલ બતાવી રહ્યા છે. એમાં એક બોલકાં ભાઈ કહી રહ્યા છે, કે.. મારાં ભાઈઓ..! હું પક્ષ બદલવાનો નથી. જે દિવસે સૂરજ આથમણો ઊગશે, તે દિવસે હું પક્ષ બદલીશ. અને હું પક્ષ બદલું એટ્લે તમે માનજો કે, ‘દિ આથમણો ઊગ્યો છે.’
બોસનુ અનુમાન હતું કે, ટિકિટ તો જોઈએ એટલી મળે છે. તો પછી બનેવીલાલ ચૂંટણીમાં ઊભાં કેમ રહેતાં નથી!!
‘બનેવીલાલ! ટિકિટ તો…’
‘હું હમજી ગયો. તમારે હાથે પગે પડવાની જ વાત કરવી છે ને!?? ચૂંટણીમાં ઊભાં રહેવાં (ઉમેદવારો ન મળે એટલે) હાથે પગે લાગવું પડે તો લાગો. પણ…’
‘ઈ તમારી વાત એકદમ હાસી છે. પણ !? જામનગરમાં એક ગુજસીટોકનો આરોપી છે. એમની બે ચાર ગેંગ હાલે છે. અસંખ્ય ગુનાઓ એનાં નામે બોલે છે. આવાં એક ભાઈને હાથે પગે લાગીને કહેવું પડયું કે, ભાઈ!! અમારી પાર્ટી ઉપર મહેરબાની કરો. અમારાં પક્ષ તરફથી ચૂંટણી લડો.
હકીકત આ છે. ટી.વી.મા ભલે અલગ આવે.અ
ચૂંટણીનાં માહોલમાં ‘ય અમથાલાલ આજે કાંઈક અલગ વાત કરવાનાં મુડમાં હતાં.
‘દોસ્તો..! ચૂંટણી અને ઈ હંધૂય તો હાલ્યા જ કરવાનું છે. મારે તમને આજે એક નવી હરિયાળી વાત કરવી છે.’
‘વાત અને હરિયાળી?? ઈ વળી કેવું!??’
‘હાંભળો.. માણસોને ઓક્સિજન લેવાં હવે ભાડુતી ઓક્સિજન પાર્ક બનવા લાગ્યાં છે. કુદરત અને વૃક્ષો જે ઓક્સિજન મફતમાં આપે છે. હવે પાર્કમાં એનાં પૈસા દેવા પડશે. આવી હાલત થઈ રહી છે. ત્યાં ટાંકણે સરકાર ૭૦૦૦/- વૃક્ષોનુ નિકંદન કાઢવાં જઈ રહી છે.’
‘શું વાત કરો છો? ક્યાં આવું થવાનું છે??’
‘ધરમપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર ૫૬ ના ચાલીસ કિલોમીટર વિસ્તારમાંથી રોડ પહોળો કરવા ૭૦૦૦/- જીવતાં ઝાડવાઓનું કટિંગ થઈ જશે.
એક વૃક્ષ વર્ષે ૧૦૦થી ૧૨૦ કિલો ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. અને એક માણસ વર્ષે લગભગ ૫૦૦ કિ. ગ્રામ ઓક્સિજન વાપરે છે. હવે તમે જ કેલ્ક્યુલેટર માંડો. આ વિકાસ ગાંડો છે ? આંધળો છે ?? ‘દિ તો આથમણો ઊગ્યો આને કહેવાય!!’
બનેવીલાલ એમ કાંઈ ગાજ્યા જાય એમ નહોતાં.
એમણે હામું લંગર નાખ્યું.
‘ગુજરાતનો દિ એમ કાંઈ આથમણો ઊગે ઈ હાલે?’
ગુજરાતીઓને એમ કોઈ અભણ કહે, એટલે શું ગુજરાતીઓ અભણ થઈ જવાનાં!?? અને એમાં ‘ય વૃક્ષોની બાબતમાં ગુજરાતનો ‘દિ આથમણો ઊગે ઈ તો નો જ હાલે !! સદ્ ભાવના ટ્રસ્ટ, રાજકોટ.અને વિજયભાઈ ડોબરિયા છે. ત્યાં સુધી ગુજરાતનો સૂરજ તો ઉગમણો જ ઉગવાનો છે.’
‘કેમ કેમ !!? સદ્ ભાવના ટ્રસ્ટે એવાં તે શું કારનામાં કર્યા છે ?’
‘સદ્ ભાવના ટ્રસ્ટે સમગ્ર વિશ્વમાં નો થયું હોય એવું કામ કર્યું છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં એક કરોડ ચાલીસ લાખ વૃક્ષો વાવીને મોટાં કરી દીધાં છે. ૨૦૩૦ સુધીમાં ૧૫ કરોડ અને ૨૦૪૫ સુધીમાં સમગ્ર દેશમાં ૧૫૦ કરોડ વ્રુક્ષો વાવીને ગ્રીન ભારત બનાવી દેવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે.’
‘અરે પણ આટલું મોટું કામ એક માણસ કેવી રીતે કરી શકે!??’
‘વિજયભાઈ ડોબરિયા પાસે ૭૦૦/- ટેન્કર, ૭૦૦/- ટ્રેક્ટર અને ૩૫૦૦/- માણસોનો સ્ટાફ છે.જે દર ચાર દિવસે પાણી આપીને માવજત કરે છે.’
‘છતાંય આટલાં બધાં રૂપિયા આવે છે કયાથી??’
‘કામ અને નામ જોઈને દાતાઓ સામેથી આવે છે.
વિજયભાઈ પાસે એક વૃક્ષના રૂપિયા ૩૦૦૦/- આવાં એકથી માંડીને એક લાખ વ્રુક્ષોના દાતાઓ છે.જે દાતાઓનો આંકડો પાંચેક લાખ ઉપર છે.
હવે તમે જ કહો, આવાં ગુજરાતનો ‘દિ, કોઈ દિવસ આથમણો ઊગે!??’
ધારો તો તમેય એક વૃક્ષ વાવીને માણસ જાતને ઓક્સિજન આપી શકો છો.
(ઈચ્છા થાય તો કોન્ટેક કરજો.
મો.૭૮૬૧૯૩૭૭૩૮) kalubhaibhad123@gmail.com











































