લીલીયા મોટા તાલુકાના વિકાસમાં વધુ એક મહત્વનું સોપાન ઉમેરાયું છે. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે જન સુવિધાના કામોને મંજૂરી અપાઈ છે. ધારાસભ્ય દ્વારા ઇંગોરાળા અને મેકડાને જોડતા શેત્રુજી નદી પરના બ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રૂ.૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ લીલીયા અને સાવરકુંડલા તાલુકા વચ્ચેનું અંતર ઘટાડશે. આ બ્રિજથી વંડાથી ગારીયાધાર તરફ જવું સરળ બનશે અને ખેડૂતોને માલસામાનની હેરફેર કરવામાં બારેમાસ સુવિધા મળશે. પશુપાલકોના હિતમાં લીલીયા મોટા ખાતે રૂ.૪૬ લાખના ખર્ચે તૈયાર થયેલ આધુનિક પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નાના લીલીયા ખાતે રૂ.૨૫ લાખ અને પૂજાપાદર ખાતે રૂ.૫૪ લાખ મળી કુલ રૂ.૭૯ લાખના ખર્ચે પૂર સંરક્ષણ પાળાના કામોનું પણ ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય, તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ સહિતના પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ માતબર રકમના વિકાસકામો મંજૂર થતા સમગ્ર પંથકમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.