ઈરાન આરબ દેશો પર કેમ આક્રમણ કરી રહ્યું છે ?
અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યું તેના કારણે આખી દુનિયામાં ઉથલપાથલ થઈ ગઈ છે ત્યારે આ સવાલ પણ પૂછાઈ રહ્યો છે. ક્રુડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યા છે તેથી બધી ચીજોના ભાવ વધવા માંડ્યા છે. ઈરાનથી આવતો ગેસ બંધ થતાં ઉદ્યોગોને પણ અસર થઈ છે તેથી લોકો આ યુધ્ધ ઝડપથી પતે એવી પ્રાર્થના કરી રહ્યાં છે. ઈરાન પર અમેરિકા-ઈઝરાયલે આક્રમણ કર્યું ત્યારે સૌને એમ હતું કે, અમેરિકા-ઈઝરાયલ બહુ સરળતાથી ઈરાનને મસળી નાંખશે પણ અમેરિકા-ઈઝરાયલે લગભગ ૧૫ હજર જેટલા હુમલા કર્યા પછી પણ ઈરાન મચક નથી આપી રહ્યું. ઉલટાનું ઈરાને સાઉદી અરેબિયા, યુઓઈ સહિતના દેશો પર હુમલા કરીને તેમની હાલત બગાડી નાંખી છે. આ દેશોમાં અત્યારે તો ભાગદોડ મચેલી છે અને લોકો દેશ છોડીને ભાગી રહ્યાં છે.
ઈઝરાયલ યહૂદીઓનો દેશ છે તેથી તેની સાથેની ઈરાનની દુશ્મનાવટ સમજી શકાય પણ ઈરાન પણ મુસ્લિમ દેશ છે અને સાઉદી અરેબિયા, દુબઈ વગેરે પણ મુસ્લિમ દેશો છે છતાં ઈરાન તેમને ટાર્ગેટ કરી રહ્યું તેનું સૌને આશ્ચર્ય છે પણ તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. આપણે દુનિયાભરના મુસ્લિમોને એક માનીએ છીએ પણ મુસ્લિમોમાં પણ અંદરોઅંદર ભારે દુશ્મનાવટ છે. તેમાં સૌથી મોટી દુશ્મનાવટ શિયા વર્સીસ સુન્નીની છે. ઈરાનના આરબ દેશો પરના આક્રમણનું કારણ આ દુશ્મનાવટ છે.
વિશ્વમાં મુસ્લિમોની કુલ વસતીમાં ૮૫ ટકા સુન્ની જ્યારે ૧૪ ટકા શિયા છે. અન્ય મુસ્લિમ સમુદાયો મુસ્લિમોની કુલ વસતીમા એક ટકાની આસપાસ છે. ઈરાન અને ઈરાક શિયાઓની બહુમતી ધરાવતા બે મોટા દેશ છે પણ ઈરાકમાં શિયા શાસન નથી તેથી ઈરાક જ શિયાઓનો આગેવાન દેશ છે. બીજી તરફ સાઉદી અરેબિયા સુન્ની મુસ્લિમ દેશોનું આગેવાન છે. અત્યંત કટ્ટરવાદી સુન્નીઓ દુનિયાભરમાં માત્ર સુન્નીઓનું શાસન સ્થાપવા માગે છે. આ ઉદ્દેશને પાર પાડવા જિહાદના નામે ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓને પણ સુન્ની દેશો પોષે છે. ઈરાન દુનિયાના તમામ મુસ્લિમોને શિયા બનાવવા માગે છે. યમન, સીરિયા સહિતના જે દેશોમાં શિયાઓની નોંધપાત્ર વસતી છે એ દેશોમાં ઈરાન શિયા સંગઠનોને તન,મન, ધનથી મદદ કરીને શિયા શાસન સ્થાપવા માગે છે.
સાઉદી સહિતના દેશો સીધા ઈરાનને પછાડી શકે તેમ નથી તેથી અમેરિકાને સાથ આપે છે. સાઉદી સહિતના દેશોમાં અમેરિકાએ લશ્કરી છાવણીઓ નાંખેલી છે ને સમુદ્ર સીમામાં અમેરિકાનાં યુધ્ધ જહાજો ફરી રહ્યાં છે. તેના પરથી ઈરાન પર હુમલો થઈ રહ્યા છે. ઈરાન સીધું અમેરિકા પર આક્રમણ કરી શકે તેમ નથી તેથી અમેરિકાના પીઠ્ઠુ મુસ્લિમ દેશો પર હુમલા કરી રહ્યું છે કે જેથી અમેરિકા પર દબાણ પેદા થાય. આરબ દેશો તબાહીના ડરે રોકકળ કરતાં અમેરિકા પાસે જાય તો અમેરિકા યુધ્ધ બંધ કરવા મજબૂર બને એવી ઈરાનની ગણતરી છે.
ઈરાનની આર્થિક તાકાત કેવી છે ?
આર્થિક રીતે ઈરાન મધ્યમ કક્ષાની સમૃધ્ધિ ધરાવતા દેશોમાં એક છે. લગભગ સવા ૯ કરોડની વસતી ધરાવતા ઈરાનની જીડીપી ૧.૮૮ ટ્રિલિયન ડોલર છે. ભારત કરતાં પંદરમા ભાગની વસતી ધરાવતા ઈરાનની જીડીપી ભારત કરતાં લગભગ અડધી છે તેના પરથી જ તેની સમૃધ્ધિનો ખ્યાલ આવી જાય. ઈરાનની માથાદીઠ આવક ૨૨ હજાર ડોલર એટલે કે લગભગ ૨૦ લાખ રૂપિયાની આસપાસ છે. ઈરાન માથાદીઠ આવકમાં વિશ્વમાં ૯૧મા સ્થાને છે જ્યારે ભારત ૧૧૯મા સ્થાને છે.
ઈરાનની આવકનો મુખ્ય સ્રોત ક્રુડ ઓઈલ છે. ઈરાન દરરોજ લગભગ ૩૩ લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે અને લગભગ ૧૩ લાખ બેરલ કન્ડેન્સેટ અને નેચરલ ગેસ સહિત અન્ય લિક્વિડ ઈંધણનું ઉત્પાદન કરે છે. કુલ ગ્લોબલ એનર્જી સપ્લાયનો ૪.૫ ટકા હિસ્સો ઈરાનમાંથી આવે છે અને વિશ્વના ક્રુડ ઓઈલના કુલ જથ્થામાંથી ૧૨ ટકા જેટલું ક્રુડ ઈરાનમાં હોવાથી ઈરાન એનર્જી સુપરપાવર ગણાય છે. વેનેઝુએલા અને સાઉદી અરેબિયા પછી ઈરાન વિશ્વમાં સૌથી વધારે ક્રુડ ઓઈલ ધરાવતો દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળો ઈરાન પર મંડાયેલો છે તેનું કારણ આ ક્રુડ છે.
અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો ઠોકી બેસાડતાં ઈરાનના ક્રુડ ઓઈલના વેચાણને ફટકો પડ્યો છે કેમ કે ભારત સહિતના ઘણા મોટા ખરીદદાર દેશો હવે ઈરાન પાસેથી ક્રુડ નથી લેતા. ભારત ટ્રમ્પથી ડરી ગયું પણ ચીન ડર્યું નથી તેથી અમેરિકાની ઐસીતૈસી કરીને પણ ઈરાન પાસેથી ક્રુડ ખરીદે છે તેથી ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરીને ઘૂંટણિયે પાડવાની ટ્રમ્પની મુરાદ બર નથી આવતી.
ઈરાનની આર્થિક તાકાત અમેરિકા સામે કશું ના કહેવાય છતાં ઈરાન ઝીંક ઝીલી રહ્યું છે તેનું કારણ ચીન અને રશિયાનો પાછલા બારણે સપોર્ટ છે. ઈરાનને હરાવીને તેના ક્રુડના ભંડારો પર કબજો કરીને અમેરિકા દુનિયામાં એનર્જી સુપરપાવર બની જાય ને બધા દેશોને પોતાના ઈશારે ના નચાવે એટલે ચીન-રશિયા ઈરાનને ટકાવી રાખવામાં ભરપૂર મદદ કરે છે. ચીન ક્રુડ ઓઈલની ખરીદીના બદલામાં ઈરાનને
આભાર – નિહારીકા રવિયા શસ્ત્રો આપે છે. ઈરાને વિકસાવેલાં મિસાઈલોમાં પણ ચીને મદદ કરી છે. રશિયા પણ ઈરાનને પાછલા બારણે ભરપૂર મદદ કરતું હોવાથી ઈરાન યુધ્ધ લડી શકે છે.
અમેરિકા ઈરાનમાં બળવો કરાવવામાં સફળ કેમ થતું નથી ?
અમેરિકાએ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઈરાનમાં વધતી મોંઘવારી સહિતના મુદ્દા ચગાવીને સત્તાપલટો કરાવવાની મથામણ કરી જોઈ પણ સફળતા મળી નથી. આરબ દેશોમાં બેફામ શાસકો અને સરમુખત્યારો સામે યુવાઓ સોશિયલ મીડિયા પર ૨૦૧૦માં આક્રોશ ઠાલવવાનું શરૂ થયું ત્યારે ઈરાનમાં પણ સત્તાપલટા માટે પ્રયત્ન કરાયેલો પણ સફળતા નહોતી મળી. આરબ દેશોમાં પ્રજાનો આક્રોશ એટલો બુલંદ બનેલો કે, વરસોથી જામી ગયેલા સત્તાધીશોને લોકોએ ઉખાડીને ફેંકી દીધા હતા.
આરબ સ્પ્રિંગ તરીકે જાણીતી આ ક્રાંતિની અસર સંખ્યાબંધ દેશોમાં થઈ હતી. ભ્રષ્ટાચાર, જોહુકમી અને આર્થિક અસ્થિરતાના વિરોધમાં ટ્યુનિશિયામાં શરૂઆત થઈ પછી વિરોધ લિબિયા, ઇજિપ્ત, યમન, સીરિયા અને બહેરીન એ પાંચ દેશોમાં ફેલાયો તેમાં પાચ શાસકો ફેંકાઈ ગયા. ટ્યુનિશિયાના ઝીન અલ અબીદીન બેન અલી, લિબિયાના મુઅમ્મર ગદ્દાફી અને ઇજિપ્તના હોસ્ની મુબારક ૨૦૧૧ માં ઘરભેગા થયા અને ૨૦૧૨ માં યમનના અલી અબ્દુલ્લા સાલેહનો વારો પડી ગયો. સીરિયામાં અસદ અલ બશર બચી ગયેલા પણ અડધા સીરિયા પરથી અંકુશ ગયો.
આરબ સ્પ્રિંગ વખતે ભારે હિંસા થઈ અને રમખાણો ફાટી નિકળેલાં. મોરોક્કો, ઇરાક, અલ્જેરિયા, લેબનોન, જોર્ડન, કુવૈત, ઓમાન અને સુદાનમાં ઉગ્ર દેખાવો થયેલા જ્યારે જીબુટી, મૌરિટાનિયા, પેલેસ્ટાઇન, સાઉદી અરેબિયા અને પશ્ચિમી સહારા સહિતના દેશોમાં પણ નાના પાયે દેખાવો અને વિરોધ પ્રદર્શનો થયાં હતા. સોશિયલ મીડિયામાં સરકારો સામે પેદા થયેલા ભયંકર આક્રોશ અને અસંતોષે પાછળ અમેરિકા હતું.
અમેરિકા ઈરાનમાં ના ફાવ્યું તેનું કારણ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ છે. ઈરાનમાં સેપાહ અથવા પાસદારન તરીકે ઓળખાતા ઈરાની રિવોલ્યુશનરી ગાડ્ર્સ ઈરાનમાં સમાંતર આર્મી છે. તેના કમાન્ડર-ઇન-ચીફની નિમણૂક ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરાય છે અને તેમને જ રીપોર્ટ કરે છે. ઈરાની ક્રાંતિ પછી મે ૧૯૭૯ માં રૂહોલ્લાહ ખોમેનીએ લશ્કરી શાખા રીવોલ્યુશનરી ગાડ્ર્સની સ્થાપના કરી હતી કેમ કે ખોમેનીને ઈરાનના લશ્કર પર ભરોસો નહોતો. લશ્કરમાં શાહના માણસો હોવાથી બળવો કરી શકે તેથી આ ખતરાને ટાળવા ખોમેનીએ રીવોલ્યુશનરી ગાડ્ર્સની સ્થાપના કરી.
આ ગાડ્ર્સ અત્યંત કટ્ટરવાદી છે અને શિયા સંપ્રદાયના રક્ષણના ઉદ્દેશને વરેલા છે તેથી સુપ્રીમ લીડરના એક ઈશારે પોતાના જ દેશની આર્મી સામે પણ ભિડાઈ શકે છે. સત્તાવાર રીતે ઈરાનમાં બે લાખ જેટલા રીવોલ્યુશનરી ગાર્ડ છે પણ બિનસત્તાવાર રીતે તેમની સંખ્યા ૫ લાખથી પણ વધારે છે. તેમને એકે ૪૭ સહિતનાં અત્યાધુનિક શસ્ત્રો અપાયેલાં છે.
ઈરાનમાં પોલીસ કરતાં રીવોલ્યુશનરી ગાર્ડ વધારે હોવાથી સુપ્રીમ લીડર સામેના કોઈ પણ વિરોધને ક્રૂરતાથી કચડી નાંખે છે. ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ વાતની ખબર હોવાથી તેમણે રીવોલ્યુશનરી ગાર્ડને હથિયારો હેઠાં મૂકીને સત્તાપલટામાં સાથ આપવા કહેલું પણ કોઈએ સાથ ના આપ્યો. કોઈ પણ રીવોલ્યુશનરી ગાર્ડ ગદ્દારી કરે તો તેને પરિવાર સાથે જાહેરમાં મારી નંખાય છે તેથી સુપ્રીમ લીડરનો ખોફ એવો છે કે કોઈ ગાર્ડ ગદ્દારી ના કરે.
sanjogpurti@gmail.com










































