રાજુલા તાલુકાના દાતરડી ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ પરિવારની ગેરહાજરીમાં મુખ્ય દરવાજાની ચાવી શોધી કાઢી, ઘરમાં પ્રવેશી કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી હતી.બનાવ અંગે લાભુબેન અશોકભાઇ શિયાળ (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમણે અને તેમની દીકરીઓએ મહેનત કરી બચાવેલા અને ઘરખર્ચ માટે રાખેલા નાણાં તસ્કરો ચોરી ગયા છે. ગત તા. ૧૦/૦૨/૨૦૨૬ થી તા. ૧૭/૦૨/૨૦૨૬ દરમિયાન, જ્યારે પરિવાર ઘરની બહાર હતો, ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તકનો લાભ ઉઠાવ્યો હતો.તસ્કરોએ અત્યંત ચાલાકીપૂર્વક બારી પાસે કબાટ ઉપર રાખેલી મુખ્ય દરવાજાની ચાવી શોધી કાઢી હતી. જે બાદ દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા અને સેટીના ગાદલા નીચે છુપાવેલી કબાટ તથા સૂટકેસની ચાવીઓ મેળવી લીધી હતી. સૂટકેસમાંથી રૂ. ૯૦,૦૦૦ અને રોજીંદા વપરાશના ડબામાંથી રૂ. ૨૦,૦૦૦ એમ કુલ મળીને રૂ. ૧,૧૦,૦૦૦ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચાવી શોધીને થયેલી આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.