લીલીયા પંથકમાં વન્યજીવોના અકાળે મોતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. કણકોટ ગામે એક ૨ થી અઢી વર્ષના નર સિંહનું ખુલ્લા કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી અને સિંહના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં એક સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું. વાડી વિસ્તારોમાં રહેલા આ ખુલ્લા કૂવાઓ હવે વન્ય પ્રાણીઓ માટે ‘મૃત્યુના કૂવા’ સાબિત થઈ રહ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન્યજીવ પ્રેમીઓએ સત્વરે તપાસ કરી તમામ ખુલ્લા કૂવાઓને લોખંડની જાળીથી ઢાંકવાની માંગ કરી છે. સિંહના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.










































