મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્ર સરકાર પર ઝારખંડ સાથે સતત સાવકી મા જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. જેએમએમના ૫૪મા સ્થાપના દિવસ નિમિત્તે ધનબાદના ગોલ્ફ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઝારખંડને મળનારા ભંડોળને રોકી રાખ્યું છે.
તેમણે ચેતવણી આપી હતી કે જેમ એક આંદોલન દ્વારા અલગ ઝારખંડ રાજ્ય પ્રાપ્ત થયું હતું, તેવી જ રીતે રાજ્યના બાકી લેણાં મેળવવા માટે પણ એવો જ સંઘર્ષ કરવામાં આવશે. હેમંત સોરેને દાવો કર્યો હતો કે જા ઝારખંડને તેનો યોગ્ય નાણાકીય હિસ્સો મળ્યો હોત, તો રાજ્ય આજે તેલંગાણા, ઉત્તરાખંડ અને છત્તીસગઢ કરતા ઘણું આગળ હોત.
તેમણે કહ્યું કે ઝારખંડ દેશને ખનિજા, શ્રમ અને સંસાધનો પૂરા પાડે છે, પરંતુ બદલામાં તેના લોકોને ગરીબી, નિરક્ષરતા અને શોષણ મળ્યું. હેમંત સોરેને દેશભરમાં ચાના બગીચાઓમાં કાર્યરત આદિવાસી કામદારોના શોષણનો મુદ્દો પણ ભારપૂર્વક ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દેશનો ચા ઉદ્યોગ આદિવાસી કામદારોના લોહી અને પરસેવા પર બનેલો છે, પરંતુ આજે પણ આ સમુદાય શોષણ અને ઉપેક્ષાનો સૌથી વધુ ભોગ બને છે.
હેમંત સોરેને કહ્યું કે લગભગ ૧૫૦ વર્ષ પહેલાં, ઝારખંડના આદિવાસીઓને બળજબરીથી, ઘણીવાર બંદૂકની અણીએ, સિલિગુડી, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા અને અન્ય રાજ્યોમાં ચાના બગીચાઓમાં કામ કરવા માટે લઈ જવામાં આવતા હતા. આ આદિવાસીઓ હજુ પણ તેમના અસ્તીત્વ માટે લડી રહ્યા છે, પરંતુ તેમની ફરિયાદો બહેરા કાને પડી રહી છે. આને ગંભીર અને શરમજનક પરિસ્થિતિ ગણાવતા, સીએમ હેમંત સોરેને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને ચાના બગીચાઓમાં આદિવાસી કામદારો માટે ગૌરવપૂર્ણ જીવન અને સારી કાર્યકારી પરિસ્થિતિઓની માંગ કરશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આદિવાસી સમુદાયે માત્ર ચા ઉદ્યોગ જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, છતાં તેમને તેમના બંધારણીય અધિકારો આપવામાં આવ્યા નથી. રાજ્યમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા, હેમંત સોરેને આદિવાસી સમુદાયને એક થવા અને તેમની રાજકીય તાકાત બતાવવા અપીલ કરી.
જેએમએમ પ્રમુખે કહ્યું કે પક્ષની સ્થાપના ૪ ફેબ્રુઆરી, ૧૯૭૩ ના રોજ મધ્યરાત્રિએ ધનબાદમાં કરવામાં આવી હતી, અને તેથી જ ધનબાદ ગોલ્ફ ગ્રાઉન્ડ જેએમએમના ઇતિહાસમાં પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે જ્યારે વિવિધ જિલ્લાઓ અલગ અલગ તારીખે સ્થાપના દિવસ ઉજવે છે, ત્યારે ધનબાદ કાર્યક્રમ પાર્ટીના મૂળની યાદ અપાવે છે.