શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સંચાલિત સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે વસંતોત્સવ–૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત કેબિનેટ કક્ષાના મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સામાજિક, રાજકીય અને સેવાકીય ક્ષેત્રે કાર્યરત અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે શિક્ષણપ્રેમી, રમતવીરો તથા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ કર્યું હતું. સંસ્થાનો ટૂંકમાં પરિચય આપતાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થા માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું સીમિત નથી, પરંતુ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રમતગમત, સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને આગળ વધારવામાં આવી રહ્યા છે. સંસ્થા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, જીવનમૂલ્યો અને સામાજિક જવાબદારીના ગુણો વિકસાવી સમાજને સશક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે.આ પ્રસંગે નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરનાર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ તેમજ ગત બોર્ડની પરીક્ષામાં A૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.બંને મંત્રીશ્રીઓ અને ધારાસભ્યએ સંસ્થામાં વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મેળવી રહેલા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે જાણકારી મેળવી પ્રશંસનીય ઉદબોધન આપ્યું હતું. તેમણે અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વસંતભાઈ ગજેરાનું વિશિષ્ટ યોગદાન તેમજ વાલીઓનો સંસ્થા મેનેજમેન્ટ પરનો વિશ્વાસ જિલ્લા વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડે છે તેમ જણાવ્યું હતું.કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ મંડળના સભ્યો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આમંત્રિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ સૂર સંધ્યા,
સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ, સેલ્ફ ડિફેન્સ જેવી અનેકવિવિધ સ્ટેજ કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર, તમામ પ્રિન્સિપાલ, સુપરવાઇઝરો તેમજ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફે ખૂબ જ નિષ્ઠાપૂર્વક જવાબદારી ઉઠાવી હતી. અંતમાં મંત્રીઓ તથા ધારાસભ્યોએે સમગ્ર આયોજન બદલ સંસ્થા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.







































