અમરેલી જિલ્લાના લાઠી નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક એક્ટિવા ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. કાર ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઉપેન્દ્રસિંહ બહાદુરસિંહ રાયજાદા (ઉ.વ.૫૩) એ ફોરવ્હીલ રજી.નં.GJ-૧૪-BD-૯૦૬૩ ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના નાના ભાઈ પ્રવિણસિંહ બહાદુરસિંહ રાયજાદા (ઉં.વ. ૫૦) પોતાનું એક્ટિવા મોટર સાયકલ (નં. GJ-૧૪-AF-૬૦૭૯) લઈને ચાંવડ તરફથી લાઠી તરફ આવી રહ્યા હતા. ચાંવડથી આશરે બે કિલોમીટર દૂર લાઠી તરફ પહોંચતા, સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ફોરવ્હીલના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવ્યું હતું. ફોરવ્હીલ ચાલકે એક્ટિવા સાથે જોરદાર ટક્કર મારતાં પ્રવિણસિંહ રાયજાદાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ પુરઝડપે અને બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે કે પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.






































