પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ નાટકીય વળાંક પર પહોંચી ગયો છે. સરહદ પર એકબીજાના અનેક સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા પછી વાટાઘાટના ટેબલ પર આવેલા તાલિબાન અને પાકિસ્તાન સરકાર વચ્ચેનો વિવાદ હાલમાં સમાપ્ત થતો જણાતો નથી. ઇસ્તંબુલમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ત્રીજા રાઉન્ડની શાંતિ વાર્તા ગતિરોધ સાથે સમાપ્ત થઈ. એક તરફ પાકિસ્તાને કાબુલ પર વિવાદનો દોષ ઢોળ્યો, તો બીજી તરફ અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતે કડક શબ્દોમાં એક નિવેદન જારી કરીને પાકિસ્તાન પર પ્રગતિમાં અવરોધ ઊભો કરવાનો અને તુર્કી તથા કતાર દ્વારા મધ્યસ્થીના પ્રયાસો છતાં બિનજવાબદાર વર્તન કરવાનો આરોપ મૂક્યો છે.રિપોર્ટ્સ અનુસાર, સરહદ પર સતત હિંસક અથડામણો અને સૈનિકોના મોત પછી વાર્તા ટેબલ પર આવેલા અફઘાન પ્રતિનિધિઓ અને પાકિસ્તાન સરકાર હજી પણ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. નોંધનીય છે કે ઇસ્તંબુલમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન વાર્તામાં તુર્કી અને કતારે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તાલિબાને પાકિસ્તાન પર પ્રગતિમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવ્યો. અફઘાનિસ્તાન સરકારના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે નિવેદન જારી કરીને પાકિસ્તાનની બિનજવાબદાર અને સહકાર ન આપવાની નીતિ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે સ્પષ્ટ કહ્યું કે અફઘાન પ્રતિનિધિઓ સંપૂર્ણ ગંભીરતાથી વાર્તામાં જાડાયા હતા, પરંતુ પાકિસ્તાને આ વખતે પણ તમામ જવાબદારીઓ અફઘાનિસ્તાનના માથે નાખવાનો પ્રયાસ કર્યો.તાલિબાન અનુસાર, પાકિસ્તાન ન તો અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી લેવા માંગે છે, ન પોતાની. અફઘાન નેતૃત્વએ વાર્તામાં જમીની ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાકિસ્તાનના વલણને કારણે વાર્તા અનિર્ણિત રહી. તાલિબાન સરકારે સ્પષ્ટ કહ્યું કે અફઘાન ભૂમિનો કોઈ અન્ય દેશ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવશે નહીં અને દેશની સાર્વભૌમત્વ (સોવરેનીટી) પર પણ કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. સાથે જ, અફઘાન નાગરિકો અને ક્ષેત્રની રક્ષાને પોતાનું ધાર્મિક અને રાષ્ટ્રીય કર્તવ્ય ગણાવ્યું.અફઘાનિસ્તાનના મંત્રી નોરોલ્લાહ નૂરીએ પાકિસ્તાની અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે અફઘાનીઓની સહનશીલતાની કસોટી ન લો. તેમણે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને ચેતવણી આપતા કહ્યું કે માત્ર ટેકનોલોજી પર ભરોસો કરવો સમજદારી નથી, જા યુદ્ધ થયું તો અફઘાનિસ્તાનના વૃદ્ધ-યુવાન બધા એક સાથે લડશે. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર પોતાની જવાબદારીઓ અને ક્ષમતાઓ અનુસાર જ સહયોગ કરશે.








































