અમદાવાદના જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડિયા મસ્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના મતવિસ્તારમાં વિકાસના કામો સમયસર ન થતા હોવાનો આક્ષેપ કરતા કાર્યકર્તાઓએ કોર્પોરેશનના અધિકારીઓ સામે નારેબાજી કરી હતી.કાર્યકર્તાઓનો આરોપ છે કે વિસ્તારના અનેક સ્થળોએ ગટર અને પાણી સંબંધિત સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. એટલું જ નહીં, કામ પૂર્ણ થયા વિના જ કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં આવતા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ખાડિયા વિસ્તારમાં ગટર અને પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહિશોએ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને અનેક રજૂઆતો કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓનો દાવો છે કે રજૂઆતો છતાં લાંબા સમય સુધી સમસ્યાઓનો ઉકેલ ન આવતા તેઓએ મસ્ટર ઓફિસ ખાતે જઈ વિરોધ નોંધાવ્યો.
વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ સરકારી દસ્તાવેજા દર્શાવી આક્ષેપ કર્યો કે કેટલીક કોન્ટ્રાક્ટરોની ફાઈલો પાસ થઈ ગઈ છે, જ્યારે કેટલીક પેÂન્ડંગ છે. તેમનું કહેવું હતું કે સ્થળ પર કામગીરી દેખાતી નથી છતાં કોન્ટ્રાક્ટરોના બિલોની પ્રક્રિયા આગળ વધી રહી છે.પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ “હાય રે કમિશનર” અને “હાય રે અધિકારીઓ”ના નારા લગાવી તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ મસ્ટર ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. તેમણે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના પત્રો દર્શાવી બે-બે મહિના સુધી કામો ન થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.આક્ષેપ મુજબ, કાર્યકર્તાઓએ વિરોધ સ્વરૂપે ઓફિસની જાળી બંધ કરી અધિકારીઓને અંદર જ રાખ્યા હતા. સાથે જ જા કામગીરી ન થતી હોય તો મસ્ટર ઓફિસ બંધ કરી દેવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંબંધિત અધિકારીઓ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સ્થાનિકો હવે ગટર અને પાણીની સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરી રહ્યા છે.






































