મીંઢોળા નદીમાં ફરીથી કરૂણાંતિકા બની છે. બારડોલી અને તેન ગામમાં રહેતા ૧૦ જેટલાં મિત્રો મીંઢોળા નદીમાં નાહવા માટે ગયા હતા. ઉતારા ગામમાં આવેલી મીંઢોળા નદીમાં એક કિશોર અને એક યુવાન ડૂબી ગયા હતા. જ્યાં ઉતારા ગામમાં મીંઢોળા નદીમાં ડૂબી જવાથી તેમના મોત નીપજ્યા છે. બારડોલી ફાયરના જવાનો એ બંને લોકોના મૃતદેહ નદીમાંથી શોધી બહાર કાઢ્યા છે. બારડોલી પોલીસે મૃતદેહનો કબજા લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આ કરૂણ સમાચાર મળતા બંને પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, બે ગામના ૧૦ મિત્રો સાથે મળીને ઉતારા ગામની મીંઢોળા નદીમાં નાહવા માટે ગયા હતા. નદીમાં નાહતી વખતે આ યુવાનો સાથે કરુણાંતિકા બની હતી. આ ૧૦ લોકોમાંથી એક ૧૫ વર્ષનો સગીર અને એક ૧૯ વર્ષનો યુવાન મીંઢોળા નદીમાં નાહતા નાહતા ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે આ બંને મિત્રોના મોત નીપજ્યા છે.
જાણ થતાની સાથે જ બારડોલી ફાયરના જવાનોએ બંને બાળકોના મૃતદેહને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં સફળ થયા હતા. એક સગીર અને એક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. બારડોલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેના સમાચાર મળતાં પરિવારોમાં પણ આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે.
ધુળેટીના દિવસે પણ મીંઢોળા નદીમાં ડૂબવાને કારણે ચાર મિત્રોના મોત નીપજ્યા હતા. સુરતના બારડોલી પાસે મીંઢોળા નદીમાં પાંચ મિત્રો ન્હાવા પડ્યા હતા. જ્યાં ઊંડા પાણીમાં ઉતરી જતાં ચાર યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોમાં કેશવ સોનવણે, ભુમિત મિસ્ત્રી(૨૪), અભિષેક ચૌધરી(૨૧) અને નીલસિંહ સોલંકી(૨૧)નો સમાવેશ થાય છે, જ્યારે દર્શનસિંહ સોલંકીનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ, માંગરોળના પાનસરા ગામની કીમ ખાડીમાં ન્હાવા ઉતરેલા સંજય માંગુકીયા(૪૪), પડોશી ચંદ્રભુષણ સિંહ(૩૬) અને હેપ્પીસિંહ(૨૬) પાણીના વહેણમાં તણાઈ જતાં ડૂબી ગયા હતા.









































