સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની પક્ષપાતી નીતિ સામે પ્રજામાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓના છાપરા, લારી કે ઓટલા પર તંત્ર નિર્દયતાથી બુલડોઝર ફેરવી દે છે, તો બીજી તરફ શહેરની મધ્યમાં આવેલી કરોડો રૂપિયાની ૨૮,૧૭૬ ચોરસ મીટર સરકારી જમીન પર કબ્જો જમાવીને બેઠેલા મોટા માથાઓ સામે કાર્યવાહી કરવામાં પાલિકા સાવ નિષ્ફળ નીવડી છે.ગામમાં રસ્તા પર ઊભેલી સામાન્ય લારી કે ઓટલો હટાવવામાં સહેજ પણ દયા ન દાખવતી પાલિકા, સુપ્રીમ કોર્ટે આખી જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હોવા છતાં ત્યાં વર્ષોથી ધમધમતી ખાનગી દુકાનો ખાલી કરાવવા માત્ર દર વર્ષે એક નોટિસ આપીને આંખ આડા કાન કરે છે. એટલું જ નહીં, આ દુકાનો ખાલી કરાવવાને બદલે અંદરોઅંદર ઠરાવો કરીને ખાનગી કબજેદારોને જ ભાડે આપી નિયમિત (કાયદેસર) કરી દેવાની પેરવી કરી હોવાનું સામે આવ્યું છે! નાના માણસોની રોજીરોટી છીનવતી અને સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી કરોડોની સરકારી જમીન પર બેઠેલા મળતિયાઓને છાવરતી નગરપાલિકાની આ નીતિ સામે નગરમાં ભારે આક્રોશ ફેલાયો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસની માંગ ઊઠી છે.