સાવરકુંડલાના થોરડી ગામે “ચાર-પાંચ દિવસમાં પૈસા આપી દઈશ” તેમ કહેતાં વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી, તેમજ લોખંડના પાઇપ વડે ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે અબ્દુલભાઇ બચુભાઇ મહિડા (ઉં.વ. ૭૦)એ જાબાળ ગામે રહેતા પોપટભાઇ નારણભાઇ સોહલા તથા તેમના દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અબ્દુલભાઇએ પોપટભાઈ સોહલા પાસેથી રૂ. ૫,૦૦૦ ઉછીના લીધા હતા. આ પૈસાની આરોપીઓ ઉઘરાણી કરવા આવતાં, તેમણે પોતાની પાસે અત્યારે પૈસા ન હોવાથી “ચાર-પાંચ દિવસમાં પૈસા આપી દઈશ” તેમ જણાવ્યું હતું. જેથી આરોપીઓએ ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને તેમની ભેંસ લઈ જવાનું કહ્યું હતું. અબ્દુલભાઇએ ભેંસ લઈ જવાની ના પાડતાં અને પોપટભાઈનો દીકરો ભેંસ લઈ જતો હોય ત્યારે વચ્ચે પડતાં, બંને આરોપીઓએ તેમને ઢીંકાપાટુનો માર માર્યો હતો.આરોપીઓએ અબ્દુલભાઇને માથાના ભાગે તેમજ હાથ અને પગ પર લોખંડના પાઇપ વડે ઘા મારી ઇજા કરી હતી અને ઉછીના આપેલા પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.