સાવરકુંડલા-મહુવા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલાથી ઘરવખરીનો સામાન લઈને બાઇક પર પરત ફરી રહેલા દંપતીને એક અજાણ્યા ડમ્પર ચાલકે પાછળથી ઠોકર મારતા પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટીવુભાઇ કેશુભાઇ વાઘેલા (ઉ.વ.૪૨)એ અજાણ્યા ટ્રક-ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેઓ અને તેમના પત્ની અમીનબેન સાવરકુંડલા શહેરની બજારમાંથી ઘરવખરી અને રાશનનો સામાન ખરીદીને પોતાના મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સાવરકુંડલા-મહુવા રોડ પર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા પીળા કલરના ટ્રક-ડમ્પરના ચાલકે દંપતીના વાહનને જોરદાર ટક્કર મારી હતી. ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી બાઇકને હડફેટે લેતા અમીનબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમને માથાના ભાગે નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવનાર ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.