રહેણાંક મકાન પાસે પાળી બાંધવા મુદ્દે ઠપકો આપતા આરોપીઓ ઉશ્કેરાયા
લાઠી તાલુકાના ટોડા ગામે શેરીમાં પાણી ભરાવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રહેણાંક મકાન પાસે પાળી બાંધવા મુદ્દે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સોએ પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવ સંદર્ભે તૃપ્તિબેન ઉમેશભાઇ વાઘેલા (ઉ.વ.૩૫)એ ભરતભાઇ રેવાભાઇ સોહલા, મુન્નાભાઇ રેવાભાઇ સોહલા, જેસાભાઇ રૂપાભાઇ સોહલા, વાસુરભાઇ હમીરભાઇ સોહલા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટોડા ગામે રહેતા તૃપ્તિબેન વાઘેલાના ઘર પાસેની શેરીમાં આરોપી ભરતભાઈ સોહલાએ એક પાળી બાંધી હતી. આ પાળીના કારણે શેરીમાં પાણીનો નિકાલ અટકી જતો હતો અને પાણી ભરાઈ રહેતું હતું, જેના લીધે તેમના મકાનને નુકસાન થવાની ભીતિ હતી. ફરિયાદીએ આ બાબતે જઈને ભરતભાઈને પાળી તોડી નાખવા માટે વિનંતી કરી હતી. જોકે, આ વાતનું મનદુઃખ રાખી આરોપી ભરતભાઈ સહિતના અન્ય શખ્સોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી હતી. આરોપીઓ હાથમાં વાંસની લાકડીઓ અને લોખંડના પાઈપ જેવા હથિયારો લઈને ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ તેમને અને ત્યાં હાજર સાહેદો પર આડેધડ હુમલો કર્યો હતો. લોખંડના પાઈપ અને લાકડીઓ વડે માર મારવા ઉપરાંત ઢીકાપાટુનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી અને સાહેદોને શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ ફરિયાદીને જાહેરમાં ગાળો આપી “જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હતી.







































