ભાજપના ઉડુપીના ધારાસભ્ય યશપાલ સુવર્ણાના વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની મુશ્કેલીઓ વધતી જતી દેખાય છે. રાજ્ય કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કર્ણાટક વિધાનસભા પરિષદના સભ્ય મંજુનાથ ભંડારીએ યશપાલ સુવર્ણા વિરુદ્ધ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દ્વેષપૂર્ણ, અપમાનજનક અને ભડકાઉ ટિપ્પણી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હકીકતમાં, રાહુલ ગાંધીએ નીટ પરીક્ષા લીક મામલે નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના ધારાસભ્ય યશપાલ સુવર્ણાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી ૨૪ કલાક ડ્રગ્સના નશામાં રહે છે, અને તેઓ પોતે જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. જેમ કાર્યકરોએ બાબરી મસજીદ તોડી હતી, તેમ તેઓ રાહુલ ગાંધીના ઘરમાં ઘૂસીને તેમના પરિવારનો નાશ કરશે.
ભાજપના ધારાસભ્ય યશપાલ સુવર્ણાએ કહ્યું કે ૧૯૯૨ માં, જ્યારે અમારા કાર્યકરોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી, ત્યારે અમે બાબરી મસજીદ તોડી નાખી. હું રાહુલ ગાંધીને ચેતવણી આપી રહ્યો છું કે અમારા કાર્યકરો તમારા ઘરમાં ઘૂસીને તમારા વંશનો નાશ કરશે
મંજુનાથ ભંડારીએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે આવા નિવેદનો ખૂબ જ નિંદનીય છે. આ ભાષણના વીડિયો પુરાવા પણ ઉપલબ્ધ છે. તેથી, સંબંધિત તપાસ એજન્સીઓએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ અને કાયદા અનુસાર યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવી જોઈએ.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ૨૧ જુલાઈના રોજ neet પેપર લીક મુદ્દાને લઈને પીએમના નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન પરવાનગી વિના કરવામાં આવી રહ્યું હોવાથી, પોલીસે રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની અટકાયત કરી હતી અને તેમને ઘટનાસ્થળેથી દૂર લઈ ગયા હતા, પરંતુ બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. નીટ પેપર લીક મુદ્દા સામે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં રાહુલ ગાંધીએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.






































