ગુજરાત રાજ્યમાં આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓને લઈને શિક્ષણ વિભાગે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તેમજ વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવી દેખરેખ અને ફાયર સેફ્ટી સંબંધિત કડક દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
શિક્ષણ બોર્ડના આદેશ મુજબ રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રીતે કાર્યરત હાલતમાં હોવા જાઈએ. પરીક્ષા શરૂ થવાના ૧૫ મિનિટ પહેલાંથી લઈને પરીક્ષા પૂર્ણ થયા બાદના ૧૫ મિનિટ સુધી સતત રેકો‹ડગ રાખવાનું રહેશે. દરેક પરીક્ષા બ્લોકમાં સીસીટીવી કેમેરા એવી રીતે ગોઠવવામાં આવશે કે બ્લોક નંબર અને સમય દર્શાવતી ઘડિયાળ સ્પષ્ટ રીતે ફૂટેજમાં દેખાય.
બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજની બે નકલ તૈયાર કરવાની રહેશે. જેમાંથી એક નકલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને અને બીજી નકલ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવી ફરજિયાત રહેશે. પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ પ્રશ્નપત્રો રાખવામાં આવતા સ્ટ્રોંગ રૂમ માટે અલગથી સીસીટીવી ફાઇલ તૈયાર કરવાની રહેશે.
જા પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ અથવા નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિ નોંધાશે, તો કેન્દ્ર સંચાલકોએ તાત્કાલિક પગલાં લેવાના રહેશે. જરૂર જણાય તો બોર્ડને અને જિલ્લા પ્રશાસનને તાત્કાલિક જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
સીસીટીવી ઉપરાંત ફાયર સેફ્ટી વ્યવસ્થાને લઈને પણ શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હોવા જરૂરી રહેશે. સાથે જ શાળાના મુખ્ય દરવાજા પાસે ફાયર એનઓસીની વિગતો સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. કોઈપણ અકસ્માતની પરિસ્થિતિ તાત્કાલિક બચાવ કામગીરી શક્્ય બને તે માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.
શિક્ષણ બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સીસીટીવી અથવા ફાયર સેફ્ટી સંબંધિત સૂચનાઓનું પાલન ન કરનાર પરીક્ષા કેન્દ્રો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે કેન્દ્ર સંચાલકોની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.










































